Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

૧૮ વર્ષની ટીનેજરનો હાથ છે ૧૦ કિલોનો

નવીદિલ્હી તા.૯: ઓડિશાના એક અંતરિયાળ ગામમાં રહેતી ૧૮ વર્ષની મીતા સબરનો જમણો હાથ સાવ જ નકામો થઇ ગયો છે. તેને એ હાથમાં પ્લેકિસફોર્મ ન્યુરોફાઇબ્રોમેટોસિસ નામની તકલીફ છે. આ રેર બીમારી છે. જેને કારણે તેના જમણા હાથમાં એબ્નોર્મલ્ ટિશ્યુઝનો વિકાસ થવાને કારણે એની સાઇઝ અને વજન વધી ગયાં છે. મીતાને માતાપિતા નથી, તેની મોટી બહેન કુમારી જ તેની દેખભાળ રાખે છે. જસ્ટ બાર વર્ષની વયે મીતાને આ તકલીફ થવાની શરૂ થઇ હતી. જે ધીમે-ધીમે કરતાં ખૂબ વકરી ગઇ છે. બન્ને બહેનો અત્યંત ગરીબ સ્થિતિમાં રહેતી હોવાથી સારવાર કરી શકે તેવી સ્થિતિમાં નથી. કેટલાક સામાજિક કાર્યકરોએ તેની સારવાર માટે સર્જરી કરાવવા તેને સમજાવી હતી, પરંતુ અત્યાર સુધી મીતાને લાગતું હતું કે એમ કરવાથી તે મરી જશે એટલે તે સારવાર માટે પણ તૈયાર નહોતી થતી. ઘણા લાંબા સમય સુધી કાઉન્સેલિંગ કર્યા બાદ હવે મીતા સર્જરી માટે તૈયાર થઇ છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મીતાનો ફ્રીમા ઇલાજ થશે. ૨૦૧૫માં પણ હેલ્થ-વર્કરો તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરી ગયા હતા, પણ સર્જરી પહેલા ' જો કંઇ થાય તો જવાબદારી દર્દીના પરિવારજનોની રહેશે' એવું લખાણ કરાવવાની વાત થતાં બન્ને બહેનો હોસ્પિટલમાંથી ગાયબ થઇ ગઇ હતી. થોડા સમય પહેલાં હેલ્થ-કાર્યકરો મીતાને ફરી શોધી લાવ્યા છે અને આ વખતે તે સર્જરી માટે તૈયાર થઇ છે.

(3:43 pm IST)