Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હવે ચીનમાં અભ્યાસ કરવા જવાનો ક્રેઝ વધશે : પાર્ટ ટીમે જોબ કરવાની છૂટ

ન્યુ દિલ્હી : ચીનની યુનિવર્સીટીમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખુલ્યા છે.જે મુજબ ચીન સરકારે આ વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ જોબ કરવાની છૂટ આપી દીધી છે. આનો સીધો લાભ ચીનમાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓને પણ મળશે. આને પરિણામે ભારતમાંથી ચીનમાં ભણવા જવા માટે વિદ્યાર્થીઓનો ક્રેઝ વધશે અને યુકેમાં અભ્યાસ કરવા જતા ભારતીયોની સંખ્યામાં ઘટાડો થશે. વિદેશી વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર ઈન્ટર્નશિપ કરવાની પણ છૂટ અપાશે. જો કે આ માટે વિદેશી વિદ્યાર્થીઓએ સક્ષમ સત્તાવાળાઓ પાસેથી જરૃરી પરવાનગી લેવી પડશે.

ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ સ્પેશિયલ ઇનોવેશન ઝોનમાં બે વર્ષ માટે ઈન્ટર્નશિપ કરી શકશે કે તેમનો પોતાનો બિઝનેસ સ્થાપી શકશે તેવું શાંઘાઇએ જાહેર કરેલી પાયલટ પોલિસીમાં જણાવાયું હતું. ચીનની નીતિ બદલાવાથી હવે યુકેને બદલે ચીનમાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. ૨૦૧૬માં યુકેમાં ૧૮,૦૧૫ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગયા હતા જ્યારે ચીનમાં ભણવા ગયેલા ભારતીયોની સંખ્યા ૧૮,૧૭૧ હતી. ભારતમાંથી મોટાભાગે ચીનમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ જતાં હોવાનું જણાયું છે.

(12:05 pm IST)