Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગુજરાતમાં તોળાતુ જળસંકટ : નર્મદા ડેમમાં ૪ દિ'નું જ પાણી

ડેમોમાં પાણીની કુલ ૩૮,૧૫૨ એમસીએમની સંગ્રહ - ક્ષમતા સામે ૯૧૫૪ એમસીએમ જ પાણીઃ મોટા ૧૭ ડેમોમાં પાણીની ૧૨,૯૩૨ એમસીએમની સંગ્રહ-ક્ષમતા સામે ૪૫૨૫ એમસીએમ પાણી છે : સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની કુલ ૩૭૩૩ એમસીએમના જીવંત જથ્થાની સંગ્રહ-ક્ષમતા સામે ૪૬ એમસીએમ પાણી : ઉ.ગુ.ના બંધોમાં ૨૭%, મ.ગુ.ના બંધોમાં ૪૭, દ.ગુ.ના બંધોમાં ૩૦, કચ્છના બંધોમાં ૫, સૌરાષ્ટ્રના બંધોમાં ૪૨% જીવંત પાણીઃ મધ્યપ્રદેશમાં નદી પરના બાર્ગી ડેમમાં ૮૧ ટકા, તવા ડેમમાં ૩૫ ટકા, ઇન્દિરા સાગર ડેમમાં ૩૧ ટકા અને ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨ ટકા પાણીનો જીવંત જથ્થો

અમદાવાદ તા. ૯ : રાજયમાં વરસાદ ખેંચાયો છે અને હવે વધુ સારા વરસાદની અપેક્ષા ઓછી છે ત્યારે ગુજરાતમાં ભારે તીવ્ર જળ-સંકટના વાદળ ઘેરાઈ ચૂકયાં છે. રાજયમાં સિંચાઈ અને પીવાના પાણી માટે ખાસ કરીને ૨૦૩ નાનામોટો ડેમો, ૧૭ મોટા ડેમો અને સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આધાર રખાય છે. જેની પાણીની કુલ સંગ્રહ-ક્ષમતા ૩૮,૧૫૨ મિલિયન કયુબિક મીટર જેટલી છે. એમાં હાલની સ્થિતિએ ૯૧૫૪ મિલિયન કયુબિક મીટર પાણીનો જીવંત જથ્થો (વાપરવાલાયક પાણી) છે. એમાં પણ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, રાજયના કચ્છ સહિતના પાણીની અછત ધરાવતાં જિલ્લાઓમાં પીવા અને સિંચાઈ માટે જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં માંડ ૪૬ મિલિયન કયુબિક મીટર અર્થાત અડધા ટકા જેટલો પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. જે આગામી ચારેક દિવસ સુધી ચાલે તેટલો છે.

 

ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર ૫૫ ટકા વરસાદ પડ્યો છે. જોકે, હજુ ઓગષ્ટના ત્રણ સપ્તાહ અને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે. ઓકટોબર માસમાં પણ એકાદ-બે ઈંચ વરસાદ પડતો હોય છે. આ બાકીના સમયગાળામાં બાકીનો ૪૫ ટકા વરસાદ પડે તેવી અપેક્ષા રખાઈ રહી છે. જો આ ઘટ પૂરી નહીં થાય તો, હાલની સ્થિતિએ રાજયમાં ભારે ત્રીવ જળ-સંકટના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજય સરકાર આ બાબતે રોજેરોજ સ્થિતિના સમીક્ષા કરીને ખેતીને પણ નુકશાન ન થાય અને પીવા માટેનું પણ પાણી સચવાઈ રહે તેવું વ્યવસ્થિત આયોજન અમલમાં મૂકી રહી છે.

દરમ્યાનમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજનાને જીવાદોરી સમાન મનાય છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે ત્યાંથી તેના ૧૫૨માં કીલોમીટરે તવા ડેમ છે, ત્યાંથી ૧૬૦માં કી.મીટરે ઈન્દિરા સાગર નામનો મોટો ડેમ છે, ત્યાંથી ૫૦ કીમી દૂર ઓમકારેશ્વર ડેમ છે. છેલ્લે ૨૨૪ કિલોમીટર બાદ ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં છે. નર્મદા નદીની કુલ લંબાઈ ૧૧૬૪ કિલોમીટર જેટલી છે. જયારે નર્મદા યોજના અમલમાં આવી ત્યારે ટ્રીબ્યુનલે નદીમાં ૨૮ મિલિયન એકર ફીટ જેટલું પાણી રહેશે એવી ગણતરી સાથે ગુજરાતને ૯ મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી કરી હતી પરંતુ હાલની સ્થિતિએ ૫.૫૦ મિલિયન એકર ફીટ પાણી જ છે.

તેમના કહેવા મુજબ, મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર આવેલા બાર્ગી ડેમમાં તેની કુલ ૩૧૮૦ મિલિયન કયુબિક મીટર પાણીમાંથી ૮૧ ટકા એટલે કે, ૨૫૯૦ એમસીએમ પાણી છે. તવા ડેમમાં ૩૫ ટકા અને ઈન્દિરા સાગર ડેમમાં ૩૧ ટકા પાણી ભરાયેલું છે. જયારે ગુજરાતમાં આવેલા સરદાર સરોવર ડેમમાં માત્ર ૨ ટકા પાણીનો જીવંત જથ્થો છે. જે માંડ ૪-૫ દિવસ સુધી ચાલે તેટલો જ છે.

હાલની સ્થિતિએ સરદાર સરોવર ડેમમાં ૧૧૧ મીટર સુધી પાણી છે પરંતુ ડેમ પાસે મુખ્ય કેનાલનું મુખ ૧૧૦.૬૪ મીટરે છે એટલે કે આટલી ઉંચાઈ સુધી પાણી આપોઆપ મુખ્ય કેનાલમાં વહી શકે છે. હવે જો પાણીનું આ લેવલ ઘટીને ૧૧૦ મીટર જશે તો પાણીનો જીવંત જથ્થો પૂરો થઈ જશે.

આ ડેમમાં અત્યારે પાણીની આવક ૩૪૨૬ કયુસેક જેટલી છે. જયારે પાણીની જાવક ૫૦૦૦ કયુસેક જેટલી છે એટલે ડેમની સપાટી ઝડપથી ઘટી રહી છે.(૨૧.૬)

કયા ઝોનના બંધોમાં કેટલું પાણી?

ઝોનના નામ

કુલ જથ્થો

જીવંત જથ્થો

ઉત્તર ગુજરાત

૩૨

૨૭

મધ્ય ગુજરાત

૫૦

૪૭

દક્ષિણ ગુજરાત

૩૬

૩૦

કચ્છ

૧૦

સૌરાષ્ટ્ર

૪૫

૪૨

મોટા ૧૭ બંધોમાં પાણીની સ્થિતિ

 

ડેમના નામ

સંગ્રહ-ક્ષમતા

કેટલું પાણી

ટકામાં

 

કરજણ

૫૩૯

૩૫૮

૬૬

 

પાનમ

૫૭૮

૩૬૬

૬૩

 

દમણગંગા

૫૨૫

૨૯૮

૫૭

 

ભાદર

૧૮૮

૯૫

૫૦

 

કડાણા

૧૨૪૯

૬૦૯

૪૯

 

શેત્રંુજી

૩૦૯

૧૪૨

૪૬

 

વાત્રક

૧૫૮

૬૮

૪૩

 

હાથમતિ

૧૪૬

૫૮

૪૦

 

સીપુ

૧૬૧

૬૧

૩૭

 

ઉકાઈ

૭૪૧૪

૨૦૪૦

૨૮

 

ધરોઈ

૮૧૩

૨૩૪

૨૯

 

સુખી

૧૭૩

૪૪

૨૬

 

દાંતીવાડા

૩૯૪

૮૬

૨૨

 

મચ્છુ-૧

૬૯

૧૨

૧૭

 

મચ્છુ-૨

૮૮

૧૩

૧૫

 

બ્રહ્માણી

૫૮

૧૦

૧૭

 

કુલ

૧૨,૯૩૨

૪૫૨૫

૩૪

 

             

નોંધ : પાણી મિલિયન કયુબિક મીટરમાં

ગુજરાતમાં પાણીના વાપરવા લાયક જથ્થાની સ્થિતિ

વિગત

કુલ સંગ્રહ-ક્ષમતા

હાલ જીવંત જથ્થો

ટકામાં

૨૦૩ ડેમોમાં

૧૫,૭૬૦

૪૫૮૩

૩૧

૧૭ મોટા ડેમોમાં

૧૨,૯૩૨

૪૫૨૫

૩૪

સરદાર સરોવર ડેમ

૯૪૬૦

૪૬

૦.૫૮

નોંધ : પાણી, મિલિયન કયુબિક મીટરમાં

(11:33 am IST)