Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

દિલ્હીમાં 'મુખ્યમંત્રી કોવિડ -૧૯ કુટુંબ આર્થિક સહાય' યોજના શરૃઃ મૃતકના પરિવારને ૫૦ હજારની સહાય

કોરોનાને કારણે અનાથ બાળકોને ૨૫ વર્ષની વય સુધી દર મહિને ૨૫૦૦ રૂપિયા પેન્શન આપવામાં આવશે

નવી દિલ્હી,તા. ૯ : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે 'મુખ્યમંત્રી કોવિડ -૧૯ કુટુંબ આર્થિક સહાય' યોજના શરૂ કરી દીધી છે.  કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને દિલ્હી સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. કોરોનાને કારણે થતાં દરેક મૃત્યુ પર પરિવારને ૫૦ હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. જેમના ઘરમાંથી કમાતા વ્યકિતનું મોત થયુ છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે. કોરોનાને કારણે અનાથ બાળકોને ૨૫ વર્ષની વય સુધી દર મહિને ૨૫૦૦ રૂપિયા પેન્શન આપવામાં આવશે.

આ યોજનાનો આરંભ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે લોકો અરજી કરવાની રાહ નહી જોઈએ, પરંતુ દિલ્હી સરકારના પ્રતિનિધિઓ તેમના દ્યરે જશે અને ફોર્મ ભરશે. સૂચનાઓ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનાર વ્યકિતના પરિવારને દરેક કિંમતે વળતર મળવું જોઈએ અને આ મદદ વહેલી તકે પૂરી પાડવી જોઈએ.

યોજનાનું પોર્ટલ લોન્ચ કર્યા પછી મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના ફાટી નીકળ્યો ત્યારથી દેશની હાલત ગંભીર બની છે. કોરોનાની એક લહેર ગત વર્ષે અને  બીજી લહેર આ વર્ષે ખુબ જ જોખમી રહી છે. આ દરમિયાનમ લાખો લોકોના કોરોનાને કારણે મોત થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે એવા ઘણા કિસ્સાઓ છે જેમાં બાળકો અનાથ બની ગયા, પરિવારનો કમાતો સભ્ય ચાલ્યો ગયો છે. આવી સ્થિતિમાં એક જવાબદાર અને સંવેદનશીલ સરકાર તરીકે, આપણું કર્તવ્ય બને છે કે તે બધા લોકોને ટેકો અને સહકાર આપીએ. તેમની સાથે ઉભા રહીએ અને તેમના માટે આપણે જે કંઇ કરી શકીએ તે કરીએ. આ યોજના ઘણા વિચાર-વિમર્શ પછી તૈયાર કરવામાં આવી છે.

૫૦ હજારની રકમ ઉપરાંત જો કોઈ કુટુંબના કમાતા સભ્યનું મોત થાય છે, તો પરિવારને દર મહિને આર્થિક સહાય આપવામાં આવશે. એ બાળકો જેમણે કોરોના સમયગાળા દરમિયાન તેમના માતાપિતા બંનેને ગુમાવ્યા છે. માની લો કે બાળકોના માતાપિતામાંથી એકનું પહેલાથી જ મોત થયું હોય અને બીજાનું કોરોનાને કારણે મોત થયું હોય, તે જરૂરી નથી કે તે બંને કોરોનાથી મૃત્યુ પામ્યા હોય. તેવા અનાથ બાળકને ૨૫ વર્ષ સુધી દર મહિને ૨૫૦૦ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવશે.

(10:19 am IST)