Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સલમાન ખાન અને તેની બહેન અલવીરા પર વેપારીએ મૂકયો છેતરપિંડીનો આરોપ

ચંદીગઢના વેપારીએ સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અને તેના ફાઉન્ડેશન 'બીઇંગ હ્યુમન' પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. વેપારીની ફરિયાદ બાદ પોલીસ આ બધાને ૧૦ દિવસમાં જવાબ આપવા સમન મોકલ્યા છે : વેપારીના કહેવા મુજબ તેણે સલમાનના કહેવાથી ૩ કરોડનું રોકાણ કરી શો-રૂમ ખોલ્યો અને પછી તેને સામાન આપવાનું બંધ કરી દેવાયું : વેપારીનો દાવો છે કે, સલમાને તેને બીગ બોસના સેટ પર બોલાવી આ શો-રૂમ ખોલવા કહ્યું હતું અને બધી મદદ કરવાની ખાતરી આપી હતી

નવી દિલ્હી,તા. ૯: બોલિવુડ એકટર સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અને તેના ફાઉન્ડેશન 'બીઇંગ હ્યુમન'ની મુશ્કેલીઓ વધે તેવી શકયતા છે. ચંદીગઢના એક વેપારીએ તેમની સામે છેતરપિડીનો આરોપ લગાવ્યો છે.

વેપારીનો આરોપ છે કે, શો-રૂમ ખોલ્યા બાદ કંપની દિલ્હીથી સામાન નથી મોકલી રહી અને કંપનીની વેબસાઈટ પણ બંધ છે. હવે પોલીસે સલમાન, અલવીરા ઉપરાંત બીઈંગ હ્યુમનના સીઈઓ પ્રસાદ કપારે અને અન્ય અધિકારીઓ સંતોષ શ્રીવાસ્તવ, સંધ્યા, અનુપ, સંજય રંગા, માનવ, આલોકને સમન મોકલ્યા છે.

પોલીસમાં કરાયેલી ફરિયાદમાં વેપારીએ અરુણ ગુપ્તાએ જણાવ્યું છે કે, સલમાનના કહેવા પર તેમણે મનીમાજરાના એનએસી એરિયામાં લગભગ ૩ કરોડ રૂપિયાના ખર્ચે 'બીઇંગ હ્યુમન જવેલરી'નો શો-રૂમ ખોલ્યો હતો. શો-રૂમ ખોલવા માટે સ્ટાઈલ કિવન્ટેટ જવેલરી પ્રાઈવેટ લિમિટેડ સાથે એક એગ્રીમેન્ટ પણ કર્યો હતો. આ બધાએ શો-રૂમ ખોલાવી દીધો, પરંતુ કોઈ પ્રકારની મદદ ન કરી. બીઈંગ હ્યુમનની જવેલરી જે સ્ટોરથી તેમને આપવા માટે કહેવાયું હતું, તે બંધ પડ્યો છે. એ કારણે તેમને સામાન પણ નથી મળી રહ્યો.

વેપારીની ફરિયાદ પર બધાને ૧૦ દિવસમાં જવાબ આપવા કહેવાયું છે. અરૂણના કહેવા મુજબ, સલમાને તેને બિગ બોસના સેટ પર બોલાવ્યો અને કંપની ખોલવામાં તેને દરેક પ્રકારની મદદની ખાતરી આપી. સલમાને ચંદીગઢમાં શો-રૂપ ખોલવાની વાત પણ કરી હતી. ફરિયાદીએ એક વિડીયો પોલીસને મોકલ્યો છે. તેનો આરોપ છે કે, સુપરસ્ટારે કહ્યું હતું કે, તે શો-રૂમના ઉદ્ઘાટનમાં આવશે, પરંતુ બાદમાં વ્યસ્ત હોવાના કારણે ન આવ્યો.

ઉલ્લેખનીય છે કે, સલમાન એક ચેરિટી ફાઉન્ડેશન ચલાવે છે, જેનું નામ 'બીઇંગ હ્યુમન' છે. આ ફાઉન્ડેશન લોકો પાસેથી ડોનેશન લેવાને બદલે બીઈંગ હ્યુમનના કપડાં ઓનલાઈન અને સ્ટોર પર વેચી રૂપિયા ભેગા કરે છે. સલમાન ખાન પણ અવાર-નવાર બીઈંગ હ્યુમનના જ કપડાંમાં જોવા મળે છે. એટલું જ નહીં, તે પોતાના મિત્રો અને નજીકના લોકોને પણ બીઈંગ હ્યુમનના કપડાં જ ગિફ્ટ કરે છે.

(10:21 am IST)