Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કાનપુર શુટઆઉટનો મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે ઉજ્જૈનથી દબોચાયો

કાનપુરમાં ૮ પોલીસ કર્મચારીઓની હત્યા કરવાનો આરોપ હતોઃ ૫ લાખનું ઈનામ પણ હતુઃ ૭ દિવસથી પોલીસને ચકમો આપતો હતોઃ આજે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણઃ મંદિરમાં પહોંચી પોતાના નામની રાડો પાડીઃ સ્થાનિક મિડીયા અને પોલીસને અગાઉથી જાણ કરી હતીઃ હવે ધરપકડ બાદ પૂછપરછ શરૂ

નવી દિલ્હી, તા. ૯ :. મધ્યપ્રદેશ પોલીસે કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને ૫ લાખના ઈનામી વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરી છે. વિકાસ દુબે ઉપર ૮ પોલીસ કર્મચારીઓની હત્યા કરવાનો આરોપ છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ તેની ધરપકડ માટે હરીયાણા અને દિલ્હીમાં પગેરૂ દબાવતી હતી. યુપી પોલીસ વિકાસ દુબેના પાંચ જેટલા સાથીદારોને એન્કાઉન્ટરમાં ઠાર કરી ચુકી છે તો અનેક સાથીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આજે જ તેના બે વધુ સાથીદાર પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે પોલીસ અથડામણમાં માર્યા ગયા હતા.

પોલીસે ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે તેણે મંદિરની બહાર સમર્પણ કર્યુ છે. મહાકાલ મંદિરની સુરક્ષા કંપનીએ તેને શંકાસ્પદ વ્યકિત જાણી અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ મહાકાલ મંદિરના સંકુલમાં પહોંચી શખ્સએ રાડો પાડી-પાડી ખુદને વિકાસ દુબે ગણાવ્યો હતો. તે પછી મંદિર સંકુલમા તૈનાત સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો અને પોલીસને માહિતી આપી હતી. મહાકાલ પોલીસ તેને ગાડીમાં બેસાડી કંટ્રોલ તરફ લઈ ગઈ છે.

કાનપુર શુટઆઉટના મોસ્ટ વોન્ટેડની ધરપકડને યુપી પોલીસે પુષ્ઠી આપી છે. જાણવા મળે છે કે વિકાસ દુબેએ મહાકાલેશ્વર મંદિરની પહોંચ ફડાવી હતી અને તે પછી ખુદને સરેન્ડર કરી દીધો હતો. હાલ સ્થાનિક પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. તેના સરેન્ડર બાદ એસટીએફની ટીમ ઉજ્જૈન જવા રવાના થઈ છે. દરમિયાન યુપી પોલીસના એડીજી કાનૂન વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યુ છે કે અપરાધી વિરૂદ્ધ એવી કાર્યવાહી થશે કે સૌ કોઈ યાદ રાખશે. અત્રે નોંધનીય છે કે વિકાસ દુબે છેલ્લા સાતેક દિવસથી પોલીસને ચકમો આપી રહ્યો હતો.

(8:16 pm IST)