Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

૩ સરકારી જનરલ વીમા કંપનીઓનું મર્જર થશે

કેબિનેટે ૩ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીઓમાં રૂ. ૧૨૪૫૦ કરોડ નાખવાની મંજૂરી આપી : ત્રણેય કંપનીઓની આર્થિક હાલત તગડી કર્યા બાદ વિલીનીકરણ કરવા સરકારનો ઇરાદો

નવી દિલ્હી તા. ૯ : દેશની ત્રણ મોટી સરકારી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીઓનું ટુંક સમયમાં મર્જર કરવામાં આવશે. સરકારે આ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.

ગઇકાલે કેબિનેટે નેશનલ ઇન્સ્યુરન્સ કંપની, ઓરિયેન્ટલ ઇન્સ્યુરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીમાં રૂ. ૧૨,૪૫૦ કરોડ નાખવાની બાબતને મંજુરી આપી છે. સરકારે પહેલા જ આ વીમા કંપનીઓમાં ૨૦૧૯-૨૦માં રૂ. ૨૫૦૦ કરોડ નાખી ચુકી છે. આ પ્રકારથી હવે આ ત્રણેય કંપનીઓને રૂ. ૯૯૫૦ કરોડ વધુ અપાશે.

સરકાર આ કંપનીઓને આ પૈસા તેમની નાણાકીય સ્થિતિ સુધારવા અને અન્ય કામો નીપટાવવા માટે આપી રહી છે. આ કામો પુરા થયા બાદ ત્રણેય કંપનીઓનું મર્જર કરી લેવાશે. સરકાર ઇચ્છે છે કે જ્યારે આ કંપનીઓનું મર્જર થાય ત્યારે તેઓની સ્થિતિ મજબુત હોવી જોઇએ. ૨૦૧૮-૧૯ના બજેટમાં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ ત્રણેયના વિલયની જાહેરાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે આ ત્રણેયના મર્જરનો નિર્ણય લીધો હતો પણ જ્યારે તેમની નાણાકીય સ્થિતિ ઉપર વિચાર થયો તો તે યોગ્ય ન્હોતી. સરકારનું કહેવું છે કે ત્રણેયની નાણાકીય સ્થિતિ સુધરે પછી વિલય કરી દેવો.

અભ્યાસમાં જણાયું કે, કંપનીઓની આર્થિક હાલત સુધારવા માટે ૧૦ થી ૧૨ હજાર કરોડની વધારાની પૂંજીની જરૂર છે. તેથી જ પહેલા નાણાકીય હાલત સુધારવા અને જરૂરના હિસાબથી પૂંજી આપવા નિર્ણય લેવાયો છે.

ત્રણેય સરકારી વીમા કંપનીઓના મર્જર બાદ બનનાર કંપની દેશની સૌથી મોટી જનરલ ઇન્સ્યુરન્સ કંપની એટલે કે બીન જીવન વીમા (નોન લાઇફ વીમો) કંપની બનશે. તેનું વેલ્યુએશન ૧.૨ થી ૧.૫ લાખ કરોડ થવાની શકયતા છે.

(10:10 am IST)