Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઈન્ડીગોમાં નોકરીની લાલચે અમદાવાદના યુવક સાથે 5.82 લાખની ઓનલાઈન ઠગાઈ: ફરિયાદ

નંદિની મંમી મહિલા અને તેના સાગરીતોએ જુદા જુદા ચાર્જના નામે રૂપિયા પડાવ્યા

 

અમદાવાદઃ કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે નોકરીમાંથી છુટા કરી દેતા બેકાર યુવક naukri.com એપ પર જોબ શોધતો હતો. દરમિયાનમાં નંદીની નામની મહિલાએ યુવકને કોલ કરી ઈન્ડીગો એરલાઈન્સમાં એર ટિકીટિંગ એક્ઝિક્યુટિવની જગ્યા માટે નોકરીની લાલચ આપી હતી. બાદમાં મહિલાએ તેના સાગરીત સાથે મળી યુવક પાસે જુદા જુદા ચાર્જ પેટે રૂ.5.82 લાખ રૂપિયા ભરાવી ઓનલાઈન ઠગાઈ આચરી હતી.

નવા નરોડા ખાતે શિરીન પાર્કમાં રહેતાં જયદીપસિંહ ઈન્દ્રસિંહ રાઠોડ (,22) એસ.જી હાઈવે પર આવેલી સેન્સકક ટેક્નોલોજીમાં નોકરી કરતો હતો.કોરોના મહામારીમાં લોકડાઉન થતા કંપનીએ નોકરીમાંથી જયદીપસિંહ ને છૂટો કર્યો હતો.

13મી જૂને જયદીપસિંહ મોબાઈલ ફોનમાં naukri.com એપ પર સર્ચ કરી જોબ શોધતો હતો. બે દિવસ પછી નંદીની નામની મહિલાએ ફોન કરી ઇન્ડીગો એરલાઈન્સમાં નોકરી અપાવવાની વાત કરી રેજીસ્ટ્રેશન ફી ભરાવી હતી. બાદમાં એચ.આર. મેનેજરની ઓળખ આપી સત્યમ ભાર્ગવ નામના શખ્સે ફોન કર્યો હતો. વ્યક્તિએ નોકરીની ટ્રેનિંગ, યુનિફોર્મ,કોલ લેટર પાસવર્ડ અને બીજા વિવિધ ચાર્જ હેઠળ જયદીપસિંહ પાસે જુદી જુદી એમાઉન્ટ તેમજ જીએસટી ચાર્જ બધું મળી રૂ 5,82,090ની રકમ ઓનલાઈન ભરાવી હતી. આરોપીએ બાદમાં વધુ પાંચ લાખની રકમ માંગતા જયદીપસિંહની આંખો ખુલી અને પોતાની સાથે ઠગાઈ થતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આખરે જયદીપસિંહએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બુધવારે ફરિયાદ નોંધાવી હતી.

(12:03 am IST)