Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ડુંગળીનો સ્ટોક રાખવાના લક્ષ્યથી સરકાર ખુબ પાછળ : ભાવ વધશે

ડુંગળી આ વખતે પણ રોવડાવશે : એક લાખ મેટ્રિક ટનના લક્ષ્ય સામે માત્ર ૪૫૦૦૦ એમટી ખરીદી, સપ્ટેમ્બર-ડિસેમ્બર વચ્ચે ભાવ વધવાની શક્યતા

નવી દિલ્હી, તા. ૮ :  સરકારે ડુંગળીનો બફર સ્ટોક બેગણા કરવાના આશયથી ખરીદનું લક્ષ્ય વધારીને એક લાખ મેટ્રિક ટન નક્કી કરી દીધું હતું. ગત વર્ષે ગરીબોની કસ્તૂરી ગણાતી આ પેદાશના સ્ટોકમાં અભાવને કારણે તેનો ભાવ બેકાબૂ બની ગયો હતો. પરંતુ હવે સરકારે આવી નીતિ નક્કી કરી હોવા છતાં સરકારી સંસ્થાઓ ચોમાસા અગાઉ માત્ર ૪૫,૦૦૦ મેટ્રિક ટન જ ડુંગળીની ખરીદી કરી શકી હતી અને બફર સ્ટોક ખરીદવાનું લક્ષ્ય સર થાય તેવી કોઇ શક્યતા નથી. હવે આના કારણે સપ્ટેમ્બર અને ડિસેમ્બરની વચ્ચે ડુંગળીનો ભાવ વધવાની સંભાવના પૂરેપૂરી છે. આમ કોરોનાથી ત્રસ્ત લોકોને ફરીથી આંચકો લાગી શકે છે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત વર્ષે ડુંગળીનો બફર સ્ટોક ૫૬,૦૦૦ મેટ્રિક ટન હતો અને વરસાદ બાદ તેનો જથ્થો રાખી શકાતો નથી. નેફેડ અત્યારસુધી આ વર્ષમાં માત્ર ૪૫,૦૦૦ ટન ડુંગળીની જ ખરદી કરી છે અને વરસાદ આવી ગયો હોવાથી ડુંગળી સંગ્રહ માટે યોગ્ય રહેતી નથી.

               આમ એક લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદીનું લક્ષ્ય આ વર્ષે પૂર્ણ થાય તેવી સંભાવના નથી. હવે માત્ર ૨૦,૦૦૦-૨૫,૦૦૦ મેટ્રિક ટન વધુ ડુંગળીની ખરીદી કરી શકાય છે. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા બજાર ભાવે ડુંગળીની ખરીદી કરે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં મોટાપાયે ડુંગળીનું ઉત્પાદન થાય છે. ડુંગળીના ભાવને સ્થિર રાખવા માટે બફર સ્ટોક રખાય છે. બીજી બાજુ હાલમાં જેમ કોરોના કાળમાં લોકડાઉનમાં થયું તેમ ડુંગળીનો ભાવ ઘટે તો પણ તેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવામાં મદદ મળે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારે વરસાદને લીધે ખરીફ પાક બગડી જતાં નવેમ્બર-ડિસેમ્બરમાં રિટેલ બજારમાં ડુંગળીના ભાવ કિલોગ્રામે શ્ ૨૦૦ના ભાવ સુધી પહોંચી ગયો હતો. એ પછી સરકારે બફર સ્ટોકને કિલોગ્રામે ૨૩ સુધી લાવવા માટે પગલા લીધા હતા.

(12:00 am IST)