Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

યુપીની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો

રાહુલ બ્રિગેડના જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા

યુપીમાં કોંગ્રેસનો બ્રાહ્મણ ચહેરો હતો : પીયુષ ગોયલે હવે ભાજપનો ખેસ પહેરાવ્યો

નવી દિલ્હી તા. ૯ : જયોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ટીમમાંથી વધુ એક મહત્વની વિકેટ ખરી ગઈ છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી જિતિન પ્રસાદ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જિતિન પ્રસાદને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીથી પહેલા આ મોટો રાજકીય ઉલટફેર છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરાઓમાંથી એક જિતિન પ્રસાદ છેલ્લા અનેક દિવસથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા.

તેઓ કોંગ્રેસમાં મહત્વ ના મળવા અને યૂપી કોંગ્રેસના કેટલાક નેતાઓથી પોતાની નારાજગી વ્યકત કરી ચુકયા છે.જિતિન પ્રસાદની ફરિયાદને પાર્ટી હાઈકમાન્ડે નજરઅંદાજ કરી. આ જ કારણ છે કે તેમણે બીજેપીમાં જોડાવાનો નિર્ણય કર્યો. યૂપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.

જિતિન પ્રસાદના બીજેપીમાં શામેલ થયા બાદ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે યુપીની રાજનીતિમાં જિતિન પ્રસાદની ભૂમિકા મુખ્ય છે. ત્યાં જ જિતિન પ્રસાદે કહ્યું કે હું ૭-૮ વર્ષમાં અનુભવ કર્યો છે કે ખરી રીતે કોઈ સંસ્થાકીય રાજકીય પક્ષ છે તો તે ભારતીય જનતા પાર્ટીનું છે.બાકી બધા પક્ષ ફકત વ્યકિત વિશેષ અને ક્ષેત્રના થઈ ગયા છે.

જિતિન પ્રસાદે કહ્યું કે જે પડકારો અને પરિસ્થિતિઓનો દેશ હાલ સામનો કરી રહ્યો છે. તેને પહોંચી વળવા માટે જો કોઈ પાર્ટી સક્ષમ છે તો તે ભાજપ અને કોઈ સક્ષમ નેતા છે તો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. કોંગ્રેસમાં હું મારા લોકોની સેવા ન હતો કરી શકતો. મને આશા છે કે બીજેપીના માધ્યમથી હું લોકોની સેવા કરીશ.

(3:07 pm IST)