Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

સરકાર બે બેંકોનું કરવા જઇ રહી છે પ્રાઇવેટાઇઝેશન

બેંકોના ખાનગીકરણ સાથે આવશે VRS સ્કીમ

નવી દિલ્હી તા. ૯ : કેન્દ્ર સરકાર બે સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાની છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આના માટે સરકાર કર્મચારીઓ માટે એક આકર્ષક વોલન્ટરી રીટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) લઇને આવી શકે છે. એટલે કે તેમને એક સારૂ પેકેજ આપીને નોકરી છોડવાનો વિકલ્પ આપી શકાય છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર એક આકર્ષક વીઆરએસ પ્લાન તૈયાર કરી રહી છે જે બેંકીંગ સેકટરમાં આવવા ઇચ્છુક ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે અધિગ્રહણ વધારે બહેતર બનાવશે.

સૂત્રોએ કહ્યું કે, વીઆરએસ જબરદસ્તી કાઢી મુકવાનો વિકલ્પ નથી પણ જે લોકો સારા નાણાકીય પેકેજ સાથે વહેલા નિવૃત્ત થઇ થવા ઇચ્છતા લોકો માટે સારો વિકલ્પ છે. કેટલીક સરકારી બેંકોના કોન્સોલીડેશન વખતે પણ આવું કરાયું હતું.

નીતિ આયોગને બે સરકારી બેંકો અને એક વીમા કંપનીનું નામ સીલેકટ કરવાની જવાબદારી સોંપાઇ છે જેનું ખાનગીકરણ કરવાનું છે. જો કે કઇ બેંકોનું ખાનગીકરણ થવાનું છે તેના નામ હજુ સુધી જાહેર નથી થયા પણ મીડિયા રીપોર્ટસમાં ઘણાં નામો ચર્ચાઇ રહ્યા છે, જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડીયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક જેવા નામો સામેલ છે. પહેલા તબક્કામાં સરકાર બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડીયન ઓવરસીઝ બેંકના નામ પર મહોર લગાવી શકે છે. સરકારી ઇન્સ્યોરન્સ કંપનીના લીસ્ટમાં યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ, ઓરીયેન્ટલ ઇન્સ્યોરન્સના નામ સૌથી ઉપર ચાલી રહ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે આઇડીબીઆઇ બેંકમાં પોતાની હિસ્સેદારી ઘટાડવા માટે કેબીનેટની મંજુરી આપી છે.

(11:51 am IST)