Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર મોટા પાયે રસીની ટ્રાયલ શરૂ કરશે ફાઇઝર

અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં ૯૦થી વધુ કિલનિકલ સાઈટ્સ પર ૪૫૦૦ બાળકો પર ટ્રાયલ હાથ ધરાશે

નવી દિલ્હી,તા.૯ : અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝર હવે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પોતાની રસીની મોટા પાયે ટ્રાયલ કરવા જઈ રહી છે. ફાઈઝરે મંગળવારે કહ્યું કે આ સ્ટડીમાં અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં ૯૦થી વધુ કિલનિકલ સાઈટ્સ પર ૪૫૦૦ બાળકો પર ટ્રાયલ હાથ ધરાશે.

બાળકોની સહનશીલતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં ૧૪૪ બાળકો પર થયેલી ટ્રાયલમાં બે ડોઝ આપ્યા બાદ તેમની રોગ પ્રતિકારક શકિતનો અભ્યાસ થઈ ચૂકયો છે. આ દરમિયાન મળેલી ઈન્યુનિટી રિસ્પોન્સ બાદ ફાઈઝરે કહ્યું કે હવે કંપની ૫થી ૧૧ વર્ષની ઉંમરના બાળકોમાં ૧૦ માઈક્રોગ્રામ અને ૬ માસથી ૫ વર્ષની એજ ગ્રુપના બાળકો પર ૩ માઈક્રોગ્રામના ડોઝનું પરીક્ષણ કરશે.

ફાઈઝરના પ્રવકતાએ કહ્યું કે કંપની સપ્ટેમ્બરમાં ૫થી ૧૧ વર્ષના બાળકોના ડેટા મળે તેવી આશા સેવે છે અને કદાચ તે મહિનાના અંતમાં સંબંધિત દેશોના ડ્રગ રેગ્યુલેટર્સ પાસે રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવશે. તેમણે કહ્યું કે ૨થી ૫ વર્ષના બાળકો માટેનો ડેટા પણ જલદી આવી શકે છે.

ફાઈઝરના એકસપર્ટ્સનું માનવું છે કે ૫થી ૧૧ વર્ષના બાળકો પર થયેલી ટ્રાયલનો ડેટા સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. જયારે ૬ મહિનાથી લઈને ૨ વર્ષની ઉંમરના બાળકોનો ડેટા આ વર્ષે ઓકટોબર કે નવેમ્બરમાં ગમે ત્યારે મળી શકે છે. ત્યારબાદ આ એજ ગ્રુપ માટે પણ ઈમરજન્સી યૂઝની મંજૂરી માટે અરજી કરવામાં આવશે.

(10:05 am IST)