Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે ચક્રવાત અસાની:આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી

અસાની વાવાઝોડું કાંઠા પરથી જ સમુદ્રમાં પાછું ફરી જાય તેવી શક્યતા :તેવા સંજોગોમાં વાવાઝોડું આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળને પાર નહીં કરે

નવી દિલ્હી : બંગાળની ખાડીમાંથી ઉભું થયેલું અસાની વાવાઝોડું 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા તરફ આગળ ધપી રહ્યું છે. જોકે આગામી બે દિવસમાં તે નબળું પડવાની આશા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે અસાનીને કારણે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે સોમવારે કહ્યું કે અસાની તટ ઉપરથી જ સમુદ્રમાં બેસી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ માહિતી હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામણિએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બપોરના સમયે ચક્રવાત અસાની વિશાખાપટ્ટનમથી 450 કિ.મી. અને પુરીથી આશરે 500 કિ.મી. દક્ષિણે સમુદ્રમાં હતું.

હવામાન વિભાગે કહ્યું છે કે અસાની મંગળવાર સુધી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની તેમજ ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટથી પશ્ચિમ મધ્ય અને તેનાથી જોડાયેલા ઉત્તર – પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની શકયતા છે. હવામાનના બુલેટિનમાં જણાવાયું છે કે ખાડી સુધી પહોંચીને વાવાઝોડું ઉત્તર- પૂર્વ તરફ આગળ વધી શકે છે અને ઓડિશાના તટ પાસે બંગાળની ખાડીની ઉત્તર પશ્ચિમ તરફ પણ આગળ વધી શકે છે.

અસાનીને કારણે દક્ષિણ બંગાળની ખાડીમાં સમુદ્રમાં હલચલ વધી શકે છે આથી માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાતને કારણે ઓડિશાના કાંઠા વિસ્તાર તેમજ ઉત્તરી આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારની આસપાસ મંગળવારની સાંજથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આઈએમડીએ ઓડિશાના તટીય વિસ્તારમાં 7થી 11 સેન્ટીમીટર વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારે ગંજામ, પુરી, જગતસિંહ પુર અને કેન્દ્રપાડા જિલ્લામાં 15 એવા બ્લોકની ઓળખ કરી છે. જ્યાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. વિશેષ રાહત આયુક્ત પીકે જેનાએ જિલ્લાધિકારીઓને આ 15 બ્લોકના લોકોને સુરક્ષિત બહાર ખસેડવા માટે કહ્યું છે. રાજ્યમાં 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ભારે વરસાદને પગલે કાચા ઘરમાં રહેતા લોકો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

(8:20 pm IST)