Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કોંગ્રેસના ૭ થી ૮ વર્તમાન ધારાસભ્‍યો અને પૂર્વ ધારાસભ્‍યો ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે

ગુજરાતમાં કોંગ્રેસને ત્રુટકે-ત્રુટકે આંચકો આપવાની તૈયારીમાં ભાજપઃ હાર્દિક પટેલ પર પણ નજર : નીતિનભાઇ પટેલે મંત્રી પદેથી રાજીનામું આપ્‍યા બાદ ભાજપને એક મજબૂત પાટીદાર નેતાની જરૂર છેઃ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવા નેતાની જરૂર છેઃ હાર્દિક પટેલ ફિટ બેસે છે

નવી દિલ્‍હી, તા.૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે માંડ ૬ મહિના બાકી છે અને ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે. આ સાથે જ કોંગ્રેસ હજુ પણ નેતૃત્‍વને લઈને મૂંઝવણમાં છે અને પક્ષ છોડી રહેલા નેતાઓ પણ ચિંતા વ્‍યક્‍ત કરી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના આદિવાસી નેતા એવા ધારાસભ્‍ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય અત્‍યાર સુધીમાં કુલ ૧૩ એવા ધારાસભ્‍યો અથવા પૂર્વ ધારાસભ્‍યો છે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. પરંતુ હજુ આ ટ્રેન્‍ડનો અંત આવતો જણાતો નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે હાલમાં કોંગ્રેસના ૭ થી ૮ ધારાસભ્‍યો અને પૂર્વ ધારાસભ્‍યો ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે.

એટલું જ નહીં, ભાજપ હાર્દિક પટેલને પોતાના પક્ષમાં લાવવા આતુર છે. હાર્દિક પટેલ પહેલા જ તેના સોશિયલ મીડિયા બાયોમાંથી કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી ચૂક્‍યો છે. આવી સ્‍થિતિમાં તેમના કોંગ્રેસ છોડવાની અટકળો સતત વેગ પકડી રહી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ચૂંટણી પહેલા જ લેવા માંગે છે જેથી વધુ ચર્ચા થાય અને કોંગ્રેસનું મનોબળ તોડી શકાય. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા ભાજપના એક નેતાએ જણાવ્‍યું હતું કે, નીતિન પટેલ મંત્રી પદેથી રાજીનામું આપ્‍યા બાદ ભાજપને એક મજબૂત પાટીદાર નેતાની જરૂર છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવા નેતાની જરૂર છે. હાર્દિક પટેલ ફિટ બેસે છે. તેઓ જાહેર જનતાને આકર્ષિત કરનાર નેતા છે અને મોટી સંખ્‍યામાં પાટીદાર સમાજના લોકો તેમને પસંદ કરે છે.

જણાવી દઈએ કે શનિવારે ગુજરાતના સીએમ ભૂપેન્‍દ્રભાઇ પટેલે જામનગરમાં એક કાર્યક્રમ બાદ કોંગ્રેસના ધારાસભ્‍ય શૈલેષ પરમારને તેમની કારમાં બેસાડ્‍યા હતા. આ પછી તેણે કહ્યું હતું કે જે અમારી સાથે આવવા માંગે છે, તે આવું કરવા માટે સ્‍વતંત્ર છે. આ સાંભળીને પરમાર અને અન્‍ય લોકો હસવા લાગ્‍યા. એટલું જ નહીં ભાજપે જીગ્નેશ મેવાણીને ઘેરવાની તૈયારીઓ પણ કરી લીધી છે. તેમની સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જેઓ ગયા મહિને જ ભાજપમાં જોડાયા હતા.

ગુજરાતના રાજકારણને સમજનારાઓનું કહેવું છે કે આ વખતે ભાજપ આદિવાસી વિસ્‍તારોમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. રાજયમાં કુલ ૨૭ બેઠકો આદિવાસી સમુદાય માટે અનામત છે. ગત વખતે આ બેઠકો પર કોંગ્રેસને મોટી સફળતા મળી હતી. આ વખતે ભાજપની યોજના એવી છે કે શહેરી વિસ્‍તારોમાં તેને કોઈ નુકશાન થાય તો પણ આ વિસ્‍તારોમાંથી તેની ભરપાઈ કરી શકાય. નોંધનીય છે કે ૧૮૨ બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે ૨૦૧૭માં ૭૭ બેઠકો જીતી હતી જયારે ભાજપ માત્ર ૯૯ ધારાસભ્‍યો જ જીતી શકી હતી. પરંતુ કોંગ્રેસમાં ભંગાણ એટલુ હતું કે હવે માત્ર ૬૭ સભ્‍યો બચ્‍યા છે જયારે ભાજપના ધારાસભ્‍યોની સંખ્‍યા ૧૧૧ થઈ ગઈ છે.

(3:40 pm IST)