Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

સાંસદોના વોટનું મૂલ્‍ય ૭૦૮થી ઘટીને ૭૦૦ થઇ શકે છે

જુલાઇમાં યોજાનારી રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે : ૮૭ સભ્‍યોની જમ્‍મુ અને કાશ્‍મીર વિધાનસભા હાલમાં ભંગ કરી દેવામાં આવી છેઃ દરેક રાજ્‍યમાં ધારાસભ્‍યોના મતનું મૂલ્‍ય વસ્‍તી પ્રમાણે અલગ અલગ હોગ છે : જમ્‍મુ-કાશ્‍મીરના ધારાસભ્‍યોના મતનું મૂલ્‍ય ૭૨ છે

નવી દિલ્‍હી,તા.૯:  જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સાંસદોના વોટનું મૂલ્‍ય ૭૦૮ થી ઘટાડીને ૭૦૦ કરવામાં આવશે. તેનું કારણ જમ્‍મુ અને કાશ્‍મીર વિધાનસભાનું વિસર્જન છે. વાસ્‍તવમાં, રાજયોના ધારાસભ્‍યોના મતના મૂલ્‍યના આધારે, સાંસદોના મતનું મૂલ્‍ય નક્કી કરવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્‍યું કે ૮૭ સભ્‍યોની જમ્‍મુ અને કાશ્‍મીર વિધાનસભા હાલમાં ભંગ કરી દેવામાં આવી છે. દરેક રાજયના ધારાસભ્‍યોના મતનું મૂલ્‍ય વસ્‍તી પ્રમાણે અલગ-અલગ હોય છે. જમ્‍મુ-કાશ્‍મીરના ધારાસભ્‍યના મતનું મૂલ્‍ય ૭૨ છે. આમ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૮૭ ધારાસભ્‍યોના મતનું મૂલ્‍ય કુલ ૬,૨૬૪ થાય છે.

દેશની તમામ વિધાનસભાના મતોનું કુલ મૂલ્‍ય ૫,૪૯,૪૯૫ છે, પરંતુ આમાં જમ્‍મુ અને કાશ્‍મીર વિધાનસભાના મત મૂલ્‍યમાં ૬,૨૬૪નો ઘટાડો થશે. આ વખતે વિધાનસભાના મતોનું કુલ મૂલ્‍ય ૫,૪૩,૨૩૧ થશે.

સંસદસભ્‍યોના મતનું મૂલ્‍ય વિધાનસભાના કુલ મત મૂલ્‍યમાંથી ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્‍યોના કુલ મત મૂલ્‍ય ૫,૪૯,૪૯૫ હતા, જેને લોકસભા અને રાજયસભાના કુલ ૭૭૬ સાંસદોની સંખ્‍યા વડે ભાગવામાં આવે તો ૭૦૮ મત મળે છે, પરંતુ આ વખતે ધારાસભ્‍યોના કુલ મત મૂલ્‍ય ૫,૪૩,૨૩૧ ગયા છે. તેથી, આને ૭૭૬ સાંસદો વડે વિભાજીત કરવાથી એક સાંસદના મતનું મૂલ્‍ય ઘટીને ૭૦૦ થઈ જશે.

આ સિવાય જમ્‍મુ-કાશ્‍મીરમાં વિધાનસભાની ગેરહાજરીને કારણે રાજયસભાની ચારેય બેઠકો ખાલી છે. આનાથી પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ વેલ્‍યુમાં ૨૮૦૦નો ઘટાડો થશે. જો કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જમ્‍મુ અને કાશ્‍મીરનું પ્રતિનિધિત્‍વ કરવામાં આવશે, કારણ કે તેના લોકસભાના પાંચ સભ્‍યો દેશના પ્રથમ નાગરિકને ચૂંટવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પાત્ર હશે. રાજયસભા સચિવાલયે જમ્‍મુ-કાશ્‍મીરની સ્‍થિતિ અંગે કાયદા મંત્રાલય પાસેથી સલાહ માંગી છે. જો કે સૂત્રોનું કહેવું છે કે આ મામલે સાંસદોના વોટ વેલ્‍યુ ઘટાડવા સિવાય અન્‍ય કોઈ વિકલ્‍પ નથી.

આ પહેલીવાર નથી જયારે કોઈ રાજય વિધાનસભાના ધારાસભ્‍યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં.

વર્ષ ૧૯૭૪માંનવનિર્માણ આંદોલનને પગલે માર્ચમાં ૧૮૨ સભ્‍યોની ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની રચના થઈ શકી ન હતી, જેમાં ફખરુદ્દીન અલી અહેમદ ચૂંટાયા હતા.

૧૯૯૭ની રાષ્ટ્રપતિની ચૂંટણીથી, સંસદ સભ્‍યના મતનું મૂલ્‍ય ૭૦૮ નક્કી કરવામાં આવ્‍યું છે. વર્ષ ૧૯૫૨માં  પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ સભ્‍યના મતનું મૂલ્‍ય ૪૯૪ હતું.

૧૯૫૭ની  રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તે નજીવો વધીને ૪૯૬ થયો, ત્‍યારબાદ ૪૯૩ (૧૯૬૨) અને ૫૭૬ (૧૯૬૭ અને ૧૯૬૯) થયો.

૩ મે, ૧૯૬૯નારોજ રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના અવસાનના કારણે વર્ષ ૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.

૧૯૭૪નીરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સાંસદના વોટનું મૂલ્‍ય ૭૨૩ હતું. ૧૯૭૭ થી ૧૯૯૨ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આ ૭૦૨ પર સેટ કરવામાં આવ્‍યું હતું.

(11:04 am IST)