Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જ્યાં સુધી ભારત નંબર-1 ન બની જાય ત્યાં સુધી મને મોત ન આવે:નાગપુરમાં કેજરીવાલે આપેલ નિવેદનનું ખુબ ચર્ચા

કેજરીવાલે કહ્યું - અમારો ધ્યેય ચૂંટણી નથી, અમારો ધ્યેય છે દેશ. 2024ની ચૂંટણી જીતવી અમારું લક્ષ્‍ય નથી, અમારા માટે દેશ જ લક્ષ્‍ય છે. : અમે ભારત મા માટે રાજકારણમાં આવ્યા છીએ. અમે સત્તા માટે નહીં પણ દેશને બચાવવા માટે રાજકારણમાં આવ્યા છીએ.

નવી દિલ્હી :  રાજકારણમાં રાજનેતાઓના નિવેદન ખૂબ મહત્વના હોય છે, એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે આપેલ એક નિવેદન સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

આમ આદમી પાર્ટી પંજાબ બાદ હવે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પોતાનો પ્રચાર પ્રસાર કરવા માંગે છે. એવામાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમારો ધ્યેય ચૂંટણી નથી, અમારો ધ્યેય છે દેશ. 2024ની ચૂંટણી જીતવી અમારું લક્ષ્‍ય નથી, અમારા માટે દેશ જ લક્ષ્‍ય છે.

મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું છે અમે પોતાનું કરિયર છોડીને રાજકારણ બદલવા માટે આવ્યા છીએ, અમે ભારત મા માટે રાજકારણમાં આવ્યા છીએ. અમે સત્તા માટે નહીં પણ દેશને બચાવવા માટે રાજકારણમાં આવ્યા છીએ.

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે હું ભગવાનથી બે જ વસ્તુ માંગુ છું, એક તો મારો ભારત દેશ દુનિયામાં નંબર વન દેશ બની જાય છે અને જ્યાં સુધી ભારત નંબર-1 ન બની જાય ત્યાં સુધી મને મોત ન આવે. મને રાજનીતિ નથી આવડતી, માત્ર કામ કરતાં આવડે છે.

કેજરીવાલે કહ્યું કે અમને સ્કૂલ બનાવતા આવડે છે અને હોસ્પિટલ બનાવતા પણ આવડે છે, મને ભ્રષ્ટાચાર, રમખાણો અને ગુંડાગીરી નથી આવડતી. મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે, પહેલા દિલ્હીમાં પણ આવું હતું પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 12માં ધોરણમાં 97 ટકા રિઝલ્ટ આવ્યું છે અને ચાર લાખ છોકરા પ્રાઇવેટમાંથી સરકારી સ્કૂલમાં આવી ગયા છે. સરકારી જૂની બિલ્ડિંગ તોડીને નવી આલીશાન સ્કૂલ બનાવવામાં આવી રહી છે

કેજરીવાલે પોતાની સરકારની પીઠ થાબડતા વધુમાં કહ્યું હતું કે સરકારી દવાખાનાની હાલત પણ પહેલા એવી જ હતી. પણ હવે મોહલ્લા ક્લિનિક, સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. દિલ્હીના લોકો મોટી મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી જતાં, સરકારીમાં જાય છે. .

   
(11:01 pm IST)