Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

મચ્છર ભગાડતી દવાના બિઝનેસના વળતા પાણી

સ્વચ્છ ભારત અભિયાનની અસર : દવા બનાવતી કંપનીઓના નફા ઘટી ગયા

નવી દિલ્હી તા. ૯ : મચ્છર ભગાડવાના સામાન બનાવતી કંપનીઓને અનેક કારણસર બિઝનેસમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સેગમેન્ટની સૌથી મોટી કંપની ગોદરેજ કંઝયુમર પ્રોડકટ્સ (GCPL) અને જયોતિ લેબોરેટરીઝ (JLL)નો છેલ્લા ત્રણ વર્ષમાં હાઉસહોલ્ડ ઈનસેકિટસાઈડ્સનો બિઝનેસ ઘટી ગયો છે. આ કંપનીઓ સામે સૌથી મોટો પડકાર કલાઈમેટ ચેન્જ અને વધુ અસરકારક ઈમ્પોર્ટેડ અગરબત્ત્।ીઓ છે. સાથે દેશમાં સ્વચ્છતા અભિયાને પણ ઝડપ પકડી હોવાથી તેની અમુક અંશે અસર આ કંપનીઓના બિઝનેસ પર પડી છે. માર્ચમાં પૂરા થતા કવાર્ટરમાં GCPLનો હોમ ઈનસેકિટસાઈડ્સનો બિઝનેસ ૫૫૩ કરોડનો હતો. જે ગયા વર્ષની સરખામણીએ ૬ ટકા ઓછો છે. એ રીતે JLLની જાન્યુઆરીથી માર્ચના ગાળામાં રેવન્યુ ૪.૪ ટકા ઘટી ૧૦૦ કરોડ જેટલો રહ્યો હતો. ગામડામાં ધૂપબત્તીનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં કેમિકલ ઘણી વિશાળ માત્રામાં હોય છે અને ઘરમાં તેનો ઉપયોગ કરવો ઠીક નથી.

GCPL અને JLL બંનેએ માર્કેટ શેરમાં થતો ઘટાડો અટકાવવા ઈન્સેન્સ સ્ટિક બ્રાન્ડ લોન્ચ કરી છે. GCPLના મેનેજિંગ ડાયરેકટર વિવેક ગંભીરે તાજેતરમાં જ કહ્યું કે એ લોકો ગેરકાયદેસર ધૂપબત્તી બનાવતી ફેકટરી બંધ કરાવવા સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. મોસ્કિટો રેપેલન્ટના કારોબાર પર કલાઈમેટ ચેન્જની અસર પણ પડી રહી છે. JLLના મેનેજિંગ ડાયરેકટર ઉલ્લાસ કામતે જણાવ્યું, 'ગરમી અને ઠંડકમાં વાતાવરણમાં પલટો આવતા મચ્છરોની સંખ્યા ઘટી છે.' જો કે GCPL આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેના એકિસકયુટિવ ચેરમેન નિસબા ગોદરેજે જણાવ્યું, લોકો હજુ પણ મચ્છરોથી પરેશાન છે અને તેનાથી બચવા સમાધાન શોધી રહ્યા છે જેને કારણે ઈન્સેન્સ સ્ટિકનું વેચાણ વધ્યું છે.

(3:51 pm IST)