Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ધો.૧૨ સાયન્સનું ૭૧.૯૦% પરિણામ : A-1 ગ્રેડમાં ૨૫૪ છાત્રો

સમગ્ર રાજયમાં ૮૪.૪૭ ટકા પરિણામ સાથે રાજકોટ ફર્સ્ટ : ધ્રોલ કેન્દ્રનું ૯૧.૬૦% પરિણામ : રસાયણ શાસ્ત્ર વિષયમાં ઓછા ગુણ મળતા ટકાવારી ઘટી હોવાનું અનુમાન * ગુજકેટમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરતા છાત્રો : કેમેસ્ટ્રીએ છાત્રોને રડાવ્યાઃ પેપર ઘણુ અઘરૂ હતુઃ વિદ્યાર્થીઓના બળાપા

રાજકોટ, તા. ૯ : મેડીકલ ઈજનેરી ઉચ્ચ અભ્યાસ માટેની અગત્યની પરીક્ષા ધોે.૧૨ સાયન્સનું આજે પરિણામ જાહેર થયુ છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ધો.૧૨ સાયન્સનું ૭૧.૯૦% પરિણામ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કર્યુ છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ ૧૩૯ કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં ૧,૪૬,૮૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૭૧.૯૦% આવ્યુ છે. ૨૦૧૮ માર્ચ માસની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૨.૯૯%  આવ્યુ હતું. આ વર્ષે ૧% ઓછું પરિણામ આવ્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ પરિણામમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩% અને વિદ્યાર્થીનીઓનંુ પરિણામ ૭૨.૦૧% આવ્યુ છે. સમગ્ર ગુજરાત રાજયમાં સૌથી વધુ પરિણામ મેળવવાનો કિર્તીમાન રાજકોટને ફાળે ગયો છે. ગત વર્ષ ૨૦૧૮માં પણ રાજકોટ જિલ્લો ધો.૧૨ સાયન્સના પરિણામમાં પ્રથમ રહ્યો હતો. તો આ વર્ષે ૮૪.૪૭% પરિણામ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમે રહ્યો છે.

જયારે સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ધ્રોલ કેન્દ્રનું પરિણામ ૯૧.૬૦% સાથે પ્રથમ રહ્યુ હતું તો સૌથી ઓછું પરિણામ મેળવતું કેન્દ્ર બોડેલીનું ૨૭.૧૯% આવ્યુ છે.

ધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૩૫% છે. જયારે ૧૦% કરતાં ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૪૯ છે. એ-વન ગ્રેડમાં કુલ ૨૫૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે તો એ-ટુ ગ્રેડમાં ૩૬૯૦ વિદ્યાર્થીઓ ઝળકયા છે.

ધો.૧૨ સાયન્સમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૧૩% જયારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૧.૦૯% આવ્યુ છે તો એ ગ્રુપનું પરિણામ ૭૮.૯૨% અને બી- ગ્રુપનું ૬૭.૨૬% તો એ-બી ગ્રુપનું ૬૪.૨૯% પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓના વર્ષભરના પરિશ્રમને જાહેર પરીક્ષાના માધ્યમથી મુલવવાનું કારકિર્દી ઘડતર સંદર્ભે ખૂબ મહત્વનું છે. ૧૬ માર્ચ ૨૦૧૯ના રોજ પૂર્ણ થયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ થયુ છે.

માર્ચ-૨૦૧૯ વિજ્ઞાન પ્રવાહ જાહેર પરીક્ષામાં કુલ ૧૩૯ કેન્દ્રો - પેટા કેન્દ્રો ઉપર ૧,૪૭,૭૮૯ પરીક્ષાર્થીઓ નોંધાયેલા હતા. તે પૈકી ૧,૪૬,૮૦૮ પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતા. આ સંખ્યામાં વર્ષ ૨૦૧૮-૧૯ના નિયમીત વિદ્યાર્થીઓ ૧,૨૪,૬૯૪ નોંધાયેલ હતા. તે પૈકી ૧,૨૩,૮૬૦ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી ૮૯,૦૬૦ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજયનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૧.૯૦% આવેલ છે. સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા વર્ષા થઈ છે.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા - ઝોનલ અધિકારીઓએ ખૂબ ઓછા સમયમાં સમગ્ર માળખાકીય વ્યવસ્થા ગોઠવી સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. ચાલુ વર્ષે પ્રાયોગીક પરીક્ષાની પ્રવેશિકા તેમજ ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી તેમજ પ્રવેશિકા પણ ઓનલાઈન મૂકવામાં આવેલ હતી. પ્રાયોગિક પરીક્ષાની માર્ક એન્ટ્રી માટે ઓનલાઈન વ્યવસ્થા ઉપલબ્ધ હતી. આમ સઘળી વ્યવસ્થા સ્ટુડન્ટ્સ ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.

મુખ્ય પરિણામની સાથે સેમેસ્ટર પરિણામ તેમજ ગુજકેટ-૨૦૧૯નું પરિણામ પ્રસિદ્ધ થયુ છે. પરીક્ષા માટે એ ગ્રુપમાં ૫૫,૫૧૨, બી ગ્રુપમાં ૭૫,૮૧૧, એ-બી ગ્રુપમાં ૩૬૧ એમ મળી કુલ ૧,૩૧,૬૮૪ પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતા. સો ટકા સીસીટીવી કવરેજ સાથે જાહેર પરીક્ષાઓ લેતુ ગુજરાત દેશભરનું પ્રથમ રાજય છે. આ જટીલ કામગીરીમાં ઘણા મહાનુભાવોનું યોગદાન છે. મુખ્ય સચિવ, ઉચ્ચ અધિકારીઓ અને સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)નું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળેલ છે.

(2:56 pm IST)