Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

આર્થિક ક્ષેત્રમાં ભારતની મંજૂરી વિના યુએસ નૌસેનાનો અભ્યાસ

અમેરિકન નૌસેનાના નિવેદનથી ભારતને આંચકો : અમેરિકાની સમુદ્રમાં અવર-જવરની સ્વતંત્રતાના નિયમની દલીલ, ભારત દ્વારા અભ્યાસ કરાયો છે કે કેમ તેની તપાસ

નવી દિલ્હી, તા. ૯ : અમેરિકી નૌસેનાના એક નિવેદનને કારણે ભારતને આશ્ચર્યનો ભારે મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકી નૌસેનાએ કરેલી જાહેરાત પ્રમાણે તેણે ભારતના વિશેષ આર્થિક ક્ષેત્રમાં અગાઉથી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જ અભ્યાસ કર્યો છે. આ માટે અમેરિકાએ સમુદ્રમાં અવર-જવરની સ્વતંત્રતાના નિયમની દલીલ કરી હતી.

અમેરિકી નૌસેનાએ કરેલી આ જાહેરાત બાદ ભારત આવો કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે નહીં તેની તપાસ કરી રહ્યું છે. એક અધિકારીના કહેવા પ્રમાણે જો આ સામાન્ય અવર જવર હોય તો મુશ્કેલીની કોઈ વાત નથી. અમે સામાન્ય પરિવહનને લઈ કોઈ વિરોધ નથી કરતા પરંતુ જો આ મંજૂરી વગરની ઓપરેશનલ એક્સરસાઈઝ હશે તો આ મુદ્દો ઉઠાવવામાં આવશે.

અમેરિકાએ ૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ એક સત્તાવાર નિવેદન આપ્યું હતું. તે મુજબ અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ જોન પોલ જોન્સે દરિયામાં પરિવહનની સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરીને લક્ષદ્વીપની પશ્ચિમથી ૧૩૦ નોટિકલ મીલ દૂર સુધી પેટ્રોલિંગ કર્યું હતું.

નિવેદન પ્રમાણે આ પેટ્રોલિંગ માટે ભારત પાસેથી અગાઉથી કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી. અમેરિકી નૌસેનાના કહેવા પ્રમાણે ભારત પોતાના વિશેષ આર્થિક ક્ષેત્ર કે મહાદ્વિપીય શેલ્ફમાં સૈન્ય અભ્યાસ માટે પૂર્વ મંજૂરી લેવાની વાત કરે છે જે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરૂદ્ધ છે.

(7:32 pm IST)