Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ફરી આવ્યા નિયંત્રણોના દિવસોઃ મુંબઈ, ભોપાલ, રાયપુર સહિત દેશના અનેક શહેરોમાં આજથી વીકએન્ડ લોકડાઉનનો પ્રારંભ : આજથી દેશના અનેક શહેરોમાં વીકએન્ડ લોકડાઉન-નાઈટ કર્ફયુ

મધ્યપ્રદેશમાં આજે સાંજથી સોમવાર સવાર સુધી લોકડાઉનઃ બેંગ્લોરમાં આવતીકાલથી નાઈટ કર્ફયુઃ રાયપુરમાં ૧૦ દિવસના પ્રતિબંધોઃ મુંબઈ, પૂણે, નાગપુર સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વીકએન્ડ લોકડાઉનનો અમલ

નવી દિલ્હી, તા. ૯ :. કોરોના વાયરસના વધતા મામલાઓ વચ્ચે ફરી એક વખત નિયંત્રણોનો દોર પાછો ફર્યો છે. દેશમાં ભલે અત્યારે પૂર્ણ લોકડાઉન નથી પરંતુ વિવિધ રાજ્યો કોરોના પર કાબુ મેળવવા માટે વીકએન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફયુ જેવા સાવચેતીના પગલા લઈ રહ્યા છે. આજથી મુંબઈ, ભોપાલ, રાયપુર સહિત દેશના અનેક શહેરોમાં વીકએન્ડ લોકડાઉનનો પ્રારંભ થઈ રહ્યો છે. જો કે અનેક શહેરોએ માર્ચના પ્રારંભથી નાઈટ કર્ફયુ લગાવી દીધો હતો. હવે સરકારો કોરોના પર કાબુ મેળવવા માટે વધુ કડક પગલા લેવા મજબૂર થઈ છે.

આજથી મુંબઈ, પૂણે અને નાગપુર સહિત મહારાષ્ટ્રના તમામ શહેરો અને જિલ્લાઓમાં લોકડાઉન શરૂ થશે. આજે રાત્રે ૮ વાગ્યાથી લઈને સોમવારે સવારે ૭ વાગ્યા સુધી સમગ્ર મહારાષ્ટ્ર વીકએન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફયુમાં ઝકડાઈ જશે. આ પહેલુ વીકએન્ડ છે જે સંપૂર્ણ રીતે લોકડાઉનમાં રહેશે. જરૂરી સેવાઓ સિવાય કોઈપણ આ દરમિયાન અવરજવર કરી નહિ શકે. મુંબઈ તંત્રએ અલગથી ગાઈડલાઈન જારી કરી છે.

છત્તીસગઢના પાટનગર રાયપુરમાં કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેની સરહદો આજે સાંજે ૬ વાગ્યાથી ૧૯ એપ્રિલ સવારે ૬ સુધી સીલ રહેશે.

મધ્યપ્રદેશમાં મોટા શહેરોમાં આજથી વીકએન્ડ લોકડાઉન શરૂ થશે. આજે સાંજે ૬થી સોમવારે સવારે ૬ સુધી તમામ શહેરોમાં લોકડાઉન રહેશે. છત્તીસગઢના દુર્ગમાં પણ ૯ દિવસનું લોકડાઉન છે.

જે સ્થળે નાઈટ કર્ફયુ છે તેમા દિલ્હી, નોઈડા, ચંદીગઢ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ઓડીસાના સુંદરગઢ સહિતના શહેરો, રાજસ્થાનના જયપુર, યુપીના લખનઉ, વારાણસી, કાનપુર અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે.

કર્ણાટકના બેંગ્લોર સહિત અન્ય જિલ્લામાં ૧૦ એપ્રિલથી નાઈટ કર્ફયુનું એલાન થયુ છે. મૈસુર, મેંગ્લુરુ સહિતના જિલ્લામાં શનિવારથી નાઈટ કર્ફયુ શરૂ થશે.

(10:15 am IST)