Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મોદી સરકારની રાહ ન જોઇ

ઓડીશામાં લોકડાઉન ૩૦મી સુધી લંબાવાયું

લોકોના જીવ બચાવવાએ જ પ્રાથમિકતાઃ સીએમ પટનાયક : ટ્રેન-હવાઇ સેવા પણ બંધ

નવી દિલ્હી,તા.૯: દેશભરમાં લોકડાઉની સમય અવધિ પૂર્ણ થવાને હવે છ દિવસ બાકી છે ત્યારે ઓડિશા એવું પહેલું રાજય છે. જેને રાજયમાં લોકડાઉનનો સમયગાળો વધારવાનો નિર્ણય કર્યો છે. સીએમ નવિન પટનાયકે રાજયમાં ૩૦ એપ્રીલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠક બાદ સીએમ પટનાયકે કહ્યું કે, લોકોનો જીવ બચાવવો અમારી પ્રાથમકિતા છે અને આથી ૩૦ એપ્રિલ સુધી લોકડાઉનનો સમય વધારવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠક બાદ સીએમ નવિન પટનાયકે એમ પણ કહ્યું છે કે અમે મોદી સરકારને પણ ભલામણ કરીશું કે ૩૦મી એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનનો સમય વધારે. ઓરિસ્સામાં ૩૦મી સુધી એરલાઈન કે રેલવે સેવા પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ઓરિસ્સાના નાગરિકો અન્ય રાજયોમાં ફસાયા હોવાથી અન્ય રાજયોનો હાલમાં સંપર્ક કરાઈ રહ્યો હોવાનું પણ પટનાયકે જણાવ્યું હતું.

પંજાબમાં કોરોનાના વધતા કેસોને જોતા મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મહત્વનો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે ૨૩ એપ્રિલ સુધી કર્ફ્યુ તેમજ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે અનેક રાજયોના મુખ્યપ્રધાનો લોકડાઉનની સમયમર્યાદા વધારવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે પંજાબ સરકારે સત્ત્।ાવાર રીતે ૨૩ એપ્રિલ સુધી લોકડાઉનની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે.

ભારતમાં ૨૧ દિવસના લોકડાઉનની સમયમર્યાદા વધારવી કે કેમ તે અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે અંતિમ નિર્ણય લે તેવી શકયતા છે. આજે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉનની સમયમર્યાદા વધારવાના સંકેત આપ્યા. જો કે પીએમ મોદી રાજયોના મુખ્યપ્રધાનો, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકારો તેમજ ઉપરાજયપાલ સાથે સંવાદ બાદ લોકડાઉન વધારવાનો અંતિમ નિર્ણય લેશે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૧૧ એપ્રિલના રોજ શનિવારે પીએમ મોદી તમામ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધશે. આ પહેલા મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉન હટાવવાને લઈને ભલામણો માંગી હતી. કે જેના કારણે ગરીબ અને પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી ખતમ થઈ શકે. સરકાર તબક્કાવાર રીતે લોકડાઉન ખતમ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જયાં કોવિડ-૧૯ના કેસ નથી આવ્યા.

સૂત્રોનું કહેવું છે કે અનેક સચિવોની સાથે જ નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓનું પણ માનવું છે કે ૧૫ એપ્રિલ બાદ પણ પૂર્ણરીતે લોકડાઉનના કારણે અર્થવયવસ્થાને ઘણું નુકસાન થશે. તેઓ એ ક્ષેત્રોમાં પ્રતિબંધ દૂર કરવાના પક્ષમાં છે કે જે રેડ ઝોન નથી.

(3:25 pm IST)