Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

તબ્લીગી જમાત પર કસાયો સકંજોઃ મરકઝમાં હવાલા ફંડીંગ? તપાસ શરૂ

નવી દિલ્હી : દેશમાં કોરોનાના સૌથી મોટા હોટ સ્પોટ રૂપે બહાર આવેલ નિઝામુદીન ખાતેના તબ્લીગી  જમાતના મરકઝ કેસની તપાસમાં લાગેલી ક્રાઇમ બ્રાંચની ટીમે બુધવારે પણ મરકઝમાં દરોડા પાડયા હતાં. આ વખતે પણ દરોડો પાડવા ગયેલી ક્રાઇમ બ્રાંચની ટીમ રક્ષાત્મક સુર પહેરીને જ મરકઝમાં દાખલ થઇ હતી. આ ટીમ મરકઝમાં હવાલા ફંડીંગ અંગે પણ તપાસ કરી રહી છે. આના માટે પોલીસ કેટલાક સંગઠનો અને લોકોની ભૂમિકાની તપાસ પણ કરી રહી છે.

એવું મનાઇ રહ્યું છે કે  ફંડીંગ અને હવાલા કનેકશનની તપાસ માટે જ ક્રાઇમ બ્રાંચે મરકઝની છેલ્લા ત્રણ વર્ષની આવક વેરાની વિગતો, પાન કાર્ડ નંબર, બેંક ખાતાની વિગતો અને બેંક સ્ટેટમેન્ટો માંગ્યા છે. એક જાન્યુઆરી ર૦૧૯ થી અત્યાર સુધીમાં મરકઝમાં થયેલ બધા ધાર્મિક આયોજન અને તેમાં થયેલ ખર્ચનું વિવરણ પણ માંગવામાં આવ્યુ છે. સવારે લગભગ ૧ર.૩૦ વાગ્યે મરકઝ પહોંચેલ ક્રાઇમ બ્રાંચની ટીમે લગભગ અઢી કલાક સુધી ઉંડાણપૂર્વક પુછપરછ કરી હતી.

ક્રાઇમ બ્રાંચ સુત્રોનું માનીએ તો મરકઝ કેસની તપાસમાં હવાલા કનેકશન દ્વારા પૈસાની લેવડ દેવડની વાત બહાર આવી છે. જો કે પોલીસ પાસે હજી પાકા પુરાવાઓ તો હાથમાં નથી આવ્યા પણ તપાસ ચાલુ છે. આના માટે પોલીસ મરકઝનું આર્થિક મેનેજમેન્ટ સંભાળનાર યુનિટની ગતિવીધીઓની ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. સુત્રોનું માનીએ તો, ર૦૦પ ની સાલ પછીથી મરકઝમાં હવાલા દ્વારા રકમ આવવાની વાતની ખબર પડી છે જેની તપાસ કરાઇ રહી છે. ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે તપાસ કર્યા પછી જ ખબર પડશે કે હકિકત શું છે.

સમગ્ર કાર્યવાહીની વિડીઓ ગ્રાફી - ફોટોગ્રાફી કરાયેલ છે. મૌલાના સાદ દિલ્હી - જાકિરનગરમાં પોતાના ઘરમાં કોરન્ટાઇન છે તેથી પુછપરછ શકય નથી. બીજા આગેવાનો પણ આ જ રીતે ઘરમાં છે.

મરકઝમાં સીસી ટીવી કેમેરા નથી. અને બહારની સાઇડે લગાડયા છે તે ચાલતા  નથી તેવું ક્રાઇમ બ્રાંચ કહે છે. તેથી આસપાસના સીસી ટીવી કેમેરાના ફુટેજ તપાસાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૧ ની પુછપરછ થઇ છે.

(11:35 am IST)