Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના વાયરસ

ભારત ઇટાલીના માર્ગેઃ મુત્યુઆંક અને કેસની ઝડપ એક સમાનઃ સમયમાં ૧ માસ પાછળ

એક માર્ચ સુધીમાં ઈટાલીમાં કોરોના વાઈરસના ૧૫૭૭ કેસ આવ્યા હતા, જયારે ૪૧ લોકોના મોત થયા હતાઃ એક એપ્રિલ સુધી ભારતમાં કોરોનાના ૧૯૯૮ કેસ આવ્યા હતા અને ૫૮ મોત થયા હતાઃ એકસપર્ટના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાનો ગ્રાફ એકદમ ઈટાલી જેવો દેખાઈ રહ્યો છે

નવી દિલ્હી, તા.૯: ભારતમાં કોરોના વાઈરસના કેસ અને મોતની સંખ્યા સતત વધી રહી છે. તેનાથી દેશમાં વાઈરસની કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધી ગયું છે. આને જ કોરોનાનું થર્ડ ફેઝ કહેવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારત હવે ત્રીજા ફેઝમાં પ્રવેશી ચૂકયું છે. તેની રિયલ તસવીર લોકડાઉન ખતમ થતાં એટલે કે ૧૪ એપ્રિલે સ્પષ્ટ થઈ જશે. તેમણે ચેતવણી પણ આપી છે કે, ભારતમાં કોરોનાનો ગ્રાફ ઈટાલી જેવો જ દેખાઈ રહ્યો છે. ફેર બસ માત્ર સમયનો છે.

કોરોના વાઈરસના કેસ અને મોતની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત ઈટાલીના પગલે જ આગળ વધી રહ્યું છે. બસ આપણે માત્ર સમયમાં એક મહિનો પાછળ છીએ. વર્લ્ડ મીટરના આંકડા પ્રમાણે એક એપ્રિલ સુધી ભારતમાં કોરોનાના ૧૯૯૮ કેસ આવ્યા હતા અને ૫૮ લોકોના મોત થયા હતા. એક મહિના પહેલાં એટલે કે એક માર્ચે ઈટાલીના આંકડા જાઈએ તો અહીં આ તારીખ સુધી કોરોનાના ૧૫૭૭ કેસ સામે આવ્યા હતા જયારે ૪૧ લોકોના મોત થયા હતા. સોમવારે એટલે કે ૬ એપ્રિલ સુધીના આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઈરસના ૪૭૭૮ કેસ સામે આવ્યા હતા અને ૧૩૬ લોકોના મોત થયા હતા. હવે એક મહિના પછીની સ્થિતિ જોઈએ તો, એટલે કે ઈટાલીનો ૬ માર્ચ સુધીનો ગ્રાફ જોઈએ તો અહીં ૪૬૩૬ કેસ આવ્યા હતા અને ૧૯૭ લોકોના મોત થયા હતા.

રોજની સ્થિતિઃ  ભારતમાં અત્યારે હવે રોજ એટલા જ કેસ નોંધાઈ રહ્યા છે, જેટલા એક મહિના પહેલાં ઈટાલીમાં આવી રહ્યા હતા ભારત અને ઈટાલીમાં રોજના કેસ અને મોતની સંખ્યાનો આંકડો લગભગ એક જેવો જ છે. અહીં પણ બસ માત્ર સમયનું અંતર છે. એક મહિના પહેલાં ઈટાલીમાં રોજ ભારતમાં જેટલા કેસ નોંધાય છે અને મોત થયા છે તેટલા જ થતાં હતા. ઈટાલીમાં એક માર્ચે ૫૭૩ કેસ આવ્યા હતા અને ૧૨ મોત થઈ હતી. એક મહિના પછી ભારતમાં એક એપ્રિલે ૬૦૧ કેસ આવ્યા અને ૨૩ મોત થયા છે.

(11:25 am IST)