Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

છત્તીસગઢ : ભાજપના કાફલા પર હુમલો, પ શહીદ, MLAનું મોત

પ્રથમ તબક્કામાં મતદાનના કલાકો પહેલા જ ભીષણ હુમલો : દાંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા ઉપર માઓવાદીઓ દ્વારા આઈઇડી હુમલો કર્યો : એલર્ટની જાહેરાત : અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા

દાંતેવાડા, તા. ૯ : છત્તીસગઢના નક્સલવાદીગ્રસ્ત દાંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ આજે ભાજપના ધારાસભ્યના કાફલા ઉપર ભીષણ હુમલો કરી દીધો હતો. દાંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા ઉપર માઓવાદીઓ દ્વારા આઈઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. બીજી બાજુ આ હુમલામાં ધારાસભ્ય ભીમા મંડાવીનું પણ મોત થયું છે. દાંતેવાડા છત્તીસગઢની બસ્તર લોકસભા સીટ હેઠળ આવે છે. અહીં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. મતદાન આડે ૩૬ કલાકથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે આ ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. દાંતેવાડા જિલ્લાના કુવાકોડા વિસ્તારમાં આ હુમલો એ વખતે કરવામાં આવ્યો હતો જ્યારે ભાજપનો કાફલો પસાર થઇ રહ્યો હતો. નક્સલવાદીઓએ આઇઈડી બ્લાસ્ટ કરીને ધારાસભ્યના કાફલામાં સામેલ સુરક્ષા દળોને એક વાહનને ટાર્ગેટ બનાવવામાં સફળતા મેળવી હતી. હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થયું હતું. એક્સપોર્ટ વાહનના બ્લાસ્ટની લપેટમાં આવી જતાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. હુમલા બાદ સીઆરપીએફ અને રાજ્ય પોલીસની ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ છે. એલર્ટન જાહેરાત પણ કરવામાં આવી છે. ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોને સીઝ કરી દેવામાં આવ્યા છે. છત્તીસગઢમાં આ અગાઉ પણ અનેક વખતે નક્સલી હુમલા કરવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને અનેક વખત હુમલા કરવામાં આવ્યા છે. જુલાઈ ૨૦૧૮માં નક્સલવાદીઓએ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં બીએસએફના જવાનો ઉપર હુમલો કર્યો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા છત્તિસગઢના સુકમામાં ૧૩મી માર્ચ ૨૦૧૮ના દિવસે સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં ઓછામાં ઓછા નવ જવાનો શહીદ થયા હતા અને આ હુમલામાં અન્ય છ જવાનો ઘાયલ પણ થયા હતા. જવાનોને પહેલા આઇઇડી બ્લાસ્ટ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. માર્ચ ૨૦૧૮ના હુમલામાં આશરે ૧૦૦ માઓવાદીઓ સામેલ હતા.આ પહેલા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સુકમામાં નક્સલવાદીઓએ છુપો હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨૫ જવાન શહીદ થયા હતા. આ તમામ જવાનો સીઆરપીએફના ૭૪મી બટાલિયનના હતા. જવાનોની ટીમ રોડ ઓપનિંગ માટે જઇ રહી હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. સીઆરપીએફ ભોજન માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ અંધાધુંઘ ગોળીબાર કર્યો હતો. નક્સલવાદીઓએ ગયા વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે પણ ભીષણ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૨૫થી વધુ જવાનો શહીદ થયા હતા. તે પહેલા ૨૫મી મે ૨૦૧૩ના દિવસે સુકમા જિલ્લામાં ૧૦૦૦થી વધારે નક્સલવાદીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કર્યો હતો. આમા ૨૫ લોકોના મોત થઇ ગયા હતા. મોટાભાગના કોંગ્રેસી કાર્યકર હતા.

(7:37 pm IST)