Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રાફેલકાંડ : મોદી સરકાર સામે વધુ ગંભીર આરોપો

નવી દિલ્હી તા. ૯ : રાફેલના સોદામાં મોદી સરકારે જાણી જોઈને ભારતને ભયંકર નુકશાન થાય તેવી શરતો સ્વીકારી લીધી હતી અને છૂટછાટો બિનજરૂરી રીતે આપી હતી તેવો નવો ધડાકો અંગ્રેજી અખબાર 'હિન્દુ'એ કર્યેા છે. ૭.૮૭ અબજ રૂપિયાના આ સોદા માટે ૨૦૧૬માં ૨૩મી સપ્ટેમ્બરના રોજ રાફેલ બનાવતી કંપની દર્સેાલ અને મેસર્સ એમબીડીએ દ્વારા ભારત સરકાર સાથે હસ્તાક્ષર થયા હતા.

આ હસ્તાક્ષર દરમ્યાન જે મહત્વના કરારો હતા તેમાં સલામતી અંગેની કેબીનેટ કમીટીએ કંપનીને ગેરવ્યાજબી છૂટછાટો આપી હતી અને ભારતને નુકશાની પહોંચાડી હતી. સંરક્ષણ માટેના સ્થાપીત નિયમોમાં આ કંપનીને છૂટછાટો આપી દેવાઈ હતી. આ બધી છૂટછાટો કેબીનેટ કમીટીએ ૨૪મી ઓગષ્ટના રોજ કલીયર કરી નાખી હતી. સંરક્ષણને લગતા સ્ટાન્ડર્ડ કોન્ટ્રેકટ ડોકયુમેન્ટની જોગવાઈઓનો અમલ નહીં કરવાની છૂટછાટો વિદેશી કંપનીઓને આપી દેવામાં આવી હતી તેવો ઉલ્લેખ અહેવાલમાં થયો છે.

વિમાનના સપ્લાયરના એકાઉન્ટ મેનટેન કરવા અને તેનો રેકોર્ડ રાખવા અને લવાદમાંથી છૂટવા સહિતની છૂટછાટો આપી દેવામાં આવી છે. બીજી એવી શરત અને નિયમો પણ હોવા જોઈતા હતા કે, એજન્ટોનો ઉપયોગ કરવામાં નહીં આવે અને કોઈ વડાનો ઉપયોગ કરવામાં નહીં આવે પરંતુ તેમાં પણ ભારત સરકારે છૂટછાટ આપી છે. જો મેજર ભુલ થાય તો વિમાન કંપનીએ પેનલ્ટી પણ નહીં ભરવી પડે તેવી બિનજરૂરી છૂટ આપી દેવાઈ હતી. આ બધી બાબતો કેબીનેટ કમીટીએ કલીયર કરી દીધી હતી.

સપ્લાય પ્રોટોકોલ પાલનમાંથી પણ આ કંપનીને મુકિત આપી દેવામાં આવી છે અને આવું શા માટે થયું છે તેવા પ્રશ્નો અહેવાલમાં ઉપસ્થિત કરાયા છે. આ સમગ્ર સોદાના દસ્તાવેજો કેબીનેટ કમીટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. તો ત્યારે જ દેશને નુકશાની થાય તેવા નિયમો અને મુકિતઓને શા માટે મંજુરી અપાઈ હતી ? તેવો પ્રશ્ન ઉભો થયો છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુએ એવો દાવો કર્યેા છે કે, પોતાની પાસે આ બધી સતાવાર માહિતી છે અને તેના આધારે જ અહેવાલો પ્રસિધ્ધ થઈ રહ્યા છે.

(3:53 pm IST)