Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચોકીદારને ચોર કહેનારાના ઘરમાંથી જ નોટોના બંડલો મળી રહ્યાં છે

મોદી મહારાષ્ટ્રના લાતૂરથી કોંગ્રેસ પર ગરજયા હતાં : કોંગ્રેસ અને પાકિસ્તાનને એક સરખા ગણાવીને બંનેની આકરી ટીકા કરી હતી

લાતૂર તા. ૯ : લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના લાતૂરથી કોંગ્રેસ પર ગરજયા હતાં. અહીં વડાપ્રધાને કોંગ્રેસના નેતાઓને ત્યાં તાજેતરમાં કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસ અને પાકિસ્તાનને એક સરખા ગણાવીને બંનેની આકરી ટીકા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જે લોકો છેલ્લા ૬ મહિનાથી કહી રહ્યાં છે કે, ચોકીદાર ચોર છે, પણ હવે નોટોના બંડલો તો એ દરબારીઓના ઘરમાંથી જ નિકળી રહ્યાં છે. અસલી ચોર જ કોંગ્રેસ છે અને એટલે જ તેમને ચોકીદારનો ડર સતાવી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ગઈ કાલે જયારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહીએ હતી ત્યારે કોંગ્રેસના એક મોટા નેતા ત્યાં પહોંચી ગયા અને તેઓ અધિકારીઓને ધમકાવવા લાગ્યા, પરંતુ જયારે ફોટો પાડવાનું શરૂ થયું તો નેતાજી ત્યાંથી મોઢા પર રૂમાલ ઢાંકીને ખસકી ગયા.

વડાપ્રધાને શિવસેનાની જેમ જ કોંગ્રેસ અને પાકિસ્તાન પર આક્રમકતા દાખવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઘોષણાપત્ર એવા 'ઢકોસલાપત્ર'માં કરવામાં આવેલા વાયદા એ જ છે જે પાકિસ્તાન ઈચ્છે છે. આ અગાઉ ઉદ્ઘવ ઠાકરેએ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનને એવો જવાબ આપવામાં આવે કે તેનું નામો-નિશાન જ ના બચે.

વડાપ્રધાને કહ્યું હતું કે, એક તરફ અમારી નીતિ અને નિયત છે, બીજીબાજુ વિરોધીઓનું કોંગ્રેસનું વલન. આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવા નવા ભારતની નીતિ રીતિ, આતંકને હરાવવો જ અમારો સંકલ્પ છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪માં અમે કેટલાક લક્ષ્ય લઈને સામે આવ્યા હતાં, જેને પુરા કરવામાં દેશે તેમને સાથ આપ્યો. ૫ વર્ષની સૌથી મોટી કમાણી વિશ્વાસ છે. અત્યાર સુધીમાં જે થયું તેના માટે પણ ચોકીદાર યાદ આવે છે અને જે થવું જોઈએ તેની જવાબદારી પણ ચોકીદાર પર છે.

તેમને કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રવાદીઓના મનમાં વિશ્વાસ જગાવ્યો છે, ત્યાંની સ્થિતિ સામાન્ય થવા તરફ છે. અત્યાર સુધીમાં ઘુષણખોરોની ઓળખ કરી લેવામાં આવી છે, આગળ જતા અમે ઘુષણખોરી જ બંધ કરી દઈશું.

વડાપ્રધાને લાતુર ખાતેની રેલીમાં કહ્યું હતું કે, અમે રાષ્ટ્ર સુરક્ષાનો સંકલ્પ લીધો છે, કોંગ્રેસ અને તેના સાથીઓ આ વખતે દેશ વિરોધી વિચારધારા સાથે આગળ વધી રહ્યાં છે. કોંગ્રેસ કહી રહી છે કે, જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ના હટવી જોઈ, કોંગ્રેસના ઢકોસલાપત્ર અને પાકિસ્તાનની ભાષા એક જેવી જ છે. કોંગ્રેસ અલગાવવાદીઓ સાથે વાત કરી રહી છે અને પાકિસ્તાન પણ આ જ ઈચ્છે છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસ દેશદ્રોહનો કાયદો હટાવીને માનવતાની વાતો કરે છે. પરંતુ આ જ કોંગ્રેસે બાળા સાહેબ ઠાકરે પાસેથી મતદાન કરવાનો અધિકાર જ છીનવી લીધો હતો, પરંતુ પહેલા તેણે દર્પણમાં જોવું જોઈએ.

તેમણે એનસીપી પ્રમુખ શરદ પવાર પર પણ નિશાન તાકયું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને એનસીપી આજે એમની સાથે છે જે જમ્મૂ-કાશ્મીર અને દેશમાં જુદા જુદા વડાપ્રધાન ઈચ્છે છે. જોકે કોંગ્રેસ પાસેથી તો આવી જ આશા હોય પણ શરદ રાવ તમારી પાસેથી તો આવી આશા નહોતી.

પીએ એમ મોદીએ કહ્યું હતું કે, જે દિવસે ભારતે એરસ્ટ્રાઈક કરી, ત્યાર પાકિસ્તાને રોફ દેખાડ્યો અને આપણા દેશમાં બે વિમાનો ઘુસાડ્યા અને કહેવા લાગ્યું કે અમે ભારતના બે વિમાનો તોટી પાડ્યા અને બે પાયલટને પકડી લીધા. પણ સાંજ પડતા પડતાં સામે આવ્યું જેમાં પાકિસ્તાને સ્વિકાર કર્યો કે તેની પાસે ભારતનો એક જ પાયલટ છે.

હવે વિપક્ષ આ મામલે અમારી પાસે પુરાવા માંગી રહ્યું છે. વાયુસેના અગાઉ અનેકવાર તેના દરેક સવાલોના જવાબ આપી ચુકી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, જયારે અમારી નવી સરકાર બનશે તો દરેક ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા થશે. અમારી નવી સરકાર ખેડૂતો માટે પેંશન આપવાનું કામ કરશે.

(3:52 pm IST)