Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

માઓવાદીઓએ વાયનાડમાં મતદાનનો બહિષ્કાર કરવા હાકલ કરીઃ પોસ્ટરો

નવીદિલ્હી, તા.૯: કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જયાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તે કેરળના વાયનાડ મતવિસ્તારના મુન્ડક્કાઈમાં માઓવાદી નકસલવાદીઓએ અમુક પોસ્ટરો અને બેનરો મૂકયા છે જેમાં કિસાનો અને ખેતમજૂરોને કહેવામાં આવ્યું છે કે એમણે ૨૩ એપ્રિલે વાયનાડમાં થનાર મતદાનનો બહિષ્કાર કરવો.

મુન્ડક્કાઈમાં આજે વહેલી સવારે કેટલાક ઠેકાણે એવા પોસ્ટરો જોવા મળ્યા હતા, એમ વાયનાડ જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે. આ પોસ્ટરો જોવા મળ્યા બાદ પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દીધો છે અને વહીવટીતંત્રએ વધારાના અર્ધલશ્કરી દળોને મોકલવાની વિનંતી પણ કરી છે.

પોસ્ટરો કોણે મૂકયા એ વિશે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની હાકલ કરતો એક પત્ર વાયનાડ પ્રેસ કલબને પણ મોકલવામાં આવ્યો છે. આ વર્ષની ૬ એપ્રિલે પોલીસે માઓવાદી નેતા સી.પી. જલીલને સામસામા ગોળીબારના એક બનાવમાં ઠાર માર્યો હતો અને ત્યારથી વાયનાડમાં હાઈએલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

(3:50 pm IST)