Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ટિક ટોક એપ: મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજીની સુપ્રીમકોર્ટમાં 15 એપ્રિલે થશે સુનાવણી

નવી દિલ્હી:મદ્રાસ હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ટિકટોક એપ્લિકેશન પર અશ્લીલ સામગ્રીને લઇને તેના પર પ્રતિબંધ મુકવાના અપાયેલા આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલના રોજ સુનાવણી કરશે. સોમવારે સુપ્રીમ કોર્ટે આ અંગે ત્વરિત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે એપ્લિકેશન પર ઉપલબ્ધ અશ્લીલ સામગ્રીને લઇને તેના પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો હતો

 

  મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે યોગ્ય સમય પર સુનાવણી કરવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે મદ્રાસ હાઇકોર્ટે 3 એપ્રિલના રોજ આ એપ દ્વારા અશ્લીલ અને વાંધાજનક સામગ્રીનો ફેલાવો થતો હોવાના આરોપસર કેન્દ્ર સરકારને ટિકટોક એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો.

  અદાલતે જે જાહેરહિતની અરજીના આધારે આ આદેશ આપ્યો હતો તેમાં એવું દર્શાવાયું હતું કે આ એપ દ્વારા કથિત રીતે સંસ્કૃતિનું અપમાન થાય તેવી અશ્લીલ સામગ્રી દર્શાવાતી હોવાથી તેના પર પ્રતિબંધ મુકવામાં આવે તે આવશ્યક છે.

  તે સિવાય અદાલતે સરકારને ટિકટોકના વીડિયોનું ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મ પર થતા પ્રસારણ પર પણ રોક લગાડવા માટે આદેશ આપ્ય હતો. ટિકટોક પર રહેલી અશ્લીલ સામગ્રીને લઇને અનેક લોકોએ તેના વિરુદ્વ ફરિયાદ કરી છે. અદાલતે સરકારને બાળકોને સાઇબર ક્રાઇમથી બચાવી શકાય અને આ પ્રકારની એપથી દૂર રાખી શકાય તે પ્રકારનો કોઇ કાનૂન લાગી કરી શકાય કે કેમ તે અંગે સવાલો પૂછ્યા હતા.

(1:05 pm IST)