Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઇન્કમટેક્ષ દ્વારા લેવાતી ભાડાની ઓફીસો પર સીએજીનો વાંધો

નરીમાન પોઇન્ટની ઓફીસનું ભાડુ અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડ ચૂકવ્યા

નવી દિલ્હી, તા. ૯ : કરની આવકનું લક્ષ્ય હાંસલ કરવામાં મથામણ કરી રહેલ આવકવેરા વિભાગ મીલ્કતના ઉપયોગમાં પણ પાછળ રહી ગયો છે. દેશમાં રિયલ એસ્ટેટના સૌથી મોંઘા એવા મુંબઇમાં ભાડે લીધેલી મીલ્કત પર આ વિભાગ દ્વારા લુંટાવાઇ રહેલ રકમ સામે કન્ટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ (સીએજી)એ વાંધો ઉઠાવ્યો છે. આ વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે નરિમાન પોઇન્ટ પર ૯૦ના દાયકામાં એક મોટો પ્લોટ આપવામાં આવ્યા પછી પણ આવકવેરા વિભાગે ભાડા પેટે ૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. પોતાનો અંતિમ રિપોર્ટ તૈયાર કરવા માટે સીએજીએ આવકવેરા વિભાગ પાસેથી છેલ્લા બેદાયકાઓમાં ભાડા પેટે ખર્ચવામાં આવેલી રકમનું વિવરણ માંગ્યું છે.

આવકવેરા વિભાગને ૧૯૯રમાં મુંબઇના નરીમાન પોઇંટ પર ર,૭૮૬ ચો.મી. જગ્યા આપવામાં આવી હતી. આ જગ્યા પર ઇમારત ઉભી કરવાના બદલે વિભાગે હાલમાં જ તેની બાજુમાં આવેલ એર ઇન્ડીયાની ઇમારતમાં ભાડા પર જગ્યા લીધી હતી. લોઅર પરેલમાં પીરામલ ચેમ્બર્સ, નરીમાન પોઇન્ટ પર મિત્તલ કોર્ટ સહિત ઓછામાં ઓછી પાંચ જગ્યાએ કર વિભાગે મકાનો ભાડે રાખ્યા છે. જેમાં દરેક મકાન ભાડા પેટે કરોડો રૂપિયા ખર્ચ કરાય છે. સીએજી આ અંગે પૂછેલા પ્રશ્નોના કોઇ જવાબો નથી મળ્યા.

આવકવેરાના એક અધિકારીએ કહ્યું, 'જો આ પ્લોટમાં મકાન બનાવવામાં આવે તો જગ્યાની રામાયણ સમાપ્ત થઇ અને ભાડે જગ્યા લેવાની જરૂર નહીં રહે. છેલ્લા બે દાયકાથી આ પ્લોટનો ઉપયોગ ન કરવો તે રૂપિયાની બરબાદી જ છે. લાલફીતા શાહી અને બેદરકારીનું જ આ પરિણામ છે.' કર વિભાગ પાસે મુંબઇના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં પણ એક મોટો પ્લોટ છેજે તેને ર૦૦પમાં એલોટ કરાયો હતો.

(11:38 am IST)