Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

૧પ લાખ આપીશ એવું નરેન્દ્રભાઇએ કયારેય કહ્યું નથી, વિડિયો જોઇ ચકાસી લો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી સ્પષ્ટતા

મુંબઇ, તા.૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કયારેય ૧પ લાખ રૂપિયા આપીશ એવું કહ્યું નથી. મોદીએ બ્લેક મનીનું ગણિત સમજાવતાં ૧પ લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા થઇ શકે છે એમ કહ્યું હતું. નરેન્દ્રભાઇ તમામ નાગરિકોને ૧પ લાખ આપશે એ વિષય પર સ્પષ્ટતા કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આવું કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે દેશની દરેક વ્યકિતના બેન્ક ખાતામાં ૧પ લાખ જમા કરવાની ઘોષણા કરી હતી. છેલ્લાં ૪ વર્ષથી મોદીની આ ઘોષણાના કારણે કાયમ જ ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓને ટાંચમાં લેવાનો પ્રયાસ કરાયો છે. આ બાબતે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદીએ કયારેય ૧પ લાખ આપવાની વાત કહી નથી. તેમણે કહ્યું હતું કે સ્વિસ બેન્કમાં એટલું બ્લેક મની છે કે દરેકના ખાતામાં ૧પ લાખ જમા થઇ જાય.

વિરોધીઓને ગભરાવવા માટે બીજેપી દ્વારા સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને અનેક લોકોની તપાસ કરવામાં આવે છે. આવા આરોપ બાબતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જો સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ કરવામાં આવતો હોત તો અનેક પક્ષોના મોટા નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં હોત. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના હવે 'ઉનસે' એટલે કે ઉમેદવાર વગરની સેના છે. તેમ જ મહારાષ્ટ્રમાં જાતિવાદ ફેલાવવાનું કામ રાષ્ટ્રાદી કોંગ્રેસે કર્યુ છે.

(11:37 am IST)