Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

બિહારમાં બાહુબલીઓની બોલબાલા

પત્નીઓ-સગાઓને મેદાનમાં ઉતાર્યા બાહુબલીઓએઃ આડકતરી રીતે જમાવશે પકડ

પટણા તા.૯: બિહારમાં રાજકીય બાહુબલીઓ પત્ની અથવા સગાઓને ચૂંટણીમાં ઉભા રાખીને રાજકારણમાં પકડ જાળવી રાખવાની કોશિષમાં છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલા સુધી તેઓ પોતે મેદાનમાં ઉતરતા રહ્યા હતાં. પણ ચૂંટણી પંચના દબાણ અથવા કોર્ટ દ્વારા આયોગ્ય જાહેર કરાયા પછી આ બાહુબલીઓ ચૂંટણી લડી શકે તેમ નથી. આ વખતની ચૂંટણીમાં બાહુબલી ગણાતા કેટલાય ભૂતપૂર્વ સાંસદો ચૂંટણી મેદાનમાંથી ગાયબ છે. જેમાં મહમ્મદ શાહબુદ્દીન, સૂર્યભાણ સિંહ, પ્રભુનાથ સિંહ, અનંતસિંહ , મુન્ના શુકલા, રાજન તિવારી, સતીષચંદ્ર દુબે, રમાસિંહ, મનોરંજન સિંહ વગેરે શામેલ છે. પણ આમાંથી ઘણાની પત્નીઓ અને સગાઓ ચૂંટણી લડી રહ્યા છે. જેમને સાથ આપવામાં કોઇ રાજકીય પક્ષોએ પરહેજ નથી રાખ્યો.

સિવાનના બાહુબલી મહમ્મદ શાહબુદ્દીનને કોર્ટે અપહરણ અને ખુન કેસમાં સજા આપી હોવાથી તેને પત્ની હિના સાહબ રાજદની ટિકીટ પર લડી રહી છે. તેની સામે જનતા દળની કવિતા દેવી ચૂંટણી લડે છે, જે પૂર્વ સાંસદની પત્ની છે. નવાદા બેઠક પર મહાગઠબંધનના એક પક્ષ રાજદેએ સગીર સાથે બળાત્કારના કેસમાં દોષી સાબિત થયેલા અને ધારાસભ્ય પદેથી હટાવાયેલા રાજવલ્લભ યાદવની પત્ની વિભાદેવીને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપાએ બાહુબલી એવા વૃજબિહારી પ્રસાદની પત્ની રમાદેવીને શીવહર સીટ પર ઉભા રાખ્યા છે. તેજ બેઠક પર કોંગ્રેસે જેલમાં સજા ભોગવી રહેલ ભૂતપૂર્વ સંસદ સભ્ય આનંદ મોહન સિંહની પત્ની લવલી આનંદને ટિકીટ ન આપતા તે અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી ચુકી છે. રાજદ એ કેટલાય ગુન્હાહિત કેસમાં શામેલ સુરેન્દ્ર યાદવને જહાનાબાદ અને સરફરાઝ આલમને અરરીયા બેઠક પર ઉભા રાખ્યા છે.

(11:36 am IST)