Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કલમ ૩૭૦ અને ૩પએ કેન્સલ થશે તો કાશ્મીરની આઝાદીનો રસ્તો થશે સાફ-ફારૂક અબ્દુલ્લા

જમ્મુ, તા. ૯ : લોકસભા ચૂંટણી પ્રચારમાં લાગેલા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારૂખ અબ્દુલ્લાએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરા સામે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપાએ પોતાના ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાની વાત કરી છે, જો ૩૭૦ સમાપ્ત થાય તો પછી ભારતમાં કાશ્મીરનો વિલય પણ કયાંથી રહેવાનો ?

તેમણે કહ્યું કે તેઓ બહારથી માણસો લાવશે, અહીંયા વસાવશે અને અમે સુતા રહીશું. અમે તેનો મુકાબલો કરશું. ૩૭૦ને સમાપ્ત કેવી રીતે કરશો ? અલ્લા કસમ, અલ્લાને પણ મંજૂર હશે કે આપણે તેમનાથી આઝાદ થઇએ, તેમને કરવું હોય તે કરે આપણે જોઇ લઇશું હું પણ જોઉં કે પછી તેમનો ઝંડો ઉંચો કરવા કોણ તૈયાર થાય છે.ફારૂખ અબ્દુલ્લાએ પક્ષના કાર્યકર્તાઓની એક મીટીંગમાં મુનવ્વરાબાદમાં કહ્યું હતું કે તેઓ શું એમ વિચારે છે કે તેઓ ૩૭૦ રદ કરશે અને આપણે ચુપચાપ બેઠા રહેશું. આપણે તેની સામે લડીશું. હું વિચારૂ છું કે તે ૩૭૦ હટાવવાની કોશિષ કરે છે તે અલ્લાની ઇચ્છા છે તે લોકોને તે કરવા દો તેનાથી આપણી આઝાદીનો રસ્તો સરળ બનશે.

શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં પોતાની પહેલી રેલીને સંબોધિત કરતા તેમણે ગવર્નર મલિક પર પણ નિશાન તાકતા કહ્યું કે, તેમણે ફકત ૪પ વાહનો માટે આપણા નેશનલ હાઇવેને બંધ કર્યો છે, મને લાગે છે કે ગવર્નર પોતે કંઇ વિચાર્યા વગર દિલ્હી કહે તેમ કરી રહ્યા છે.

(11:36 am IST)