Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ

૧૧મીએ ૨૦ રાજ્યોની ૯૧ બેઠકો માટે મતદાન : આજે સાંજે જાહેર પ્રચાર અભિયાનનો અંતઃ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત કામે લગાડીઃ મોદી - રાહુલ સહિતના નેતાઓની રેલીઓઃ ગડકરી - વી.કે.સિંઘ - અજીત સિંઘ - ચિરાગ પાસ્વાન - હરીશ રાવત - જીતનરામ માંઝી વગેરેનું ભાવિ EVMમાં કેદ થશે

નવી દિલ્હી તા. ૯ : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૧ એપ્રિલે પ્રથમ ચરણ હેઠળ થનારા મતદાનને ધ્યાનમાં રાખીને આજે સાંજે ૫ વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. ચૂંટણી પંચના નિયમો હેઠળ નિર્ધારિત સમય બાદ રેલી, જનસભા, ભાષણ, અને રોડ શો કરી શકશે નહી. પ્રચાર ગાડીઓના પૈડા થંભી જશે. ફકત ઘર -ઘર જઈને શાંતિથી મત માંગવાની મંજૂરી હશે. કોઈ ઉમેદવાર આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા તો તેના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે.

ગૌતમબુદ્ઘનગરના એડીએમ પ્રશાસન જીતેન્દ્રકુમાર શર્માએ જણાવામાં આવ્યું કે નિગરાની માટે અનેક પ્રકારની ટીમો બનાવામાં આવી છે. મોનીટરીંગ ટીમ, ફલાયિંગ સ્કવોડ, સ્ટેટિક ટિમ અને વીડિયોગ્રાફી ટિમો બનાવામાં આવી છે. આ ટીમોને ક્ષેત્રની ફાળવણી કરવામાં આવી છે. તેમાં નિગરાનીની જવાબદારી તેની છે. આજે સાંજે પાંચ વાગે આ ટીમો સક્રિય છે.

આ ટીમોને કોઈ પણ ઉમેદવાર પ્રચાર કરતા નજર આવી તો તેના વિરુદ્ઘ આદર્શ ચૂંટણી આચાર સંહિતા હેઠળ કાર્યવાહી થવાનું નક્કી છે. ઉમેદવારોએ તેને જોઈને નક્કી કર્યું છે કે મર્યાદિત સમયમાં વધુ ક્ષેત્રોના લોકો સાથે રૂબરૂ થશે. કાર્યકર્તાને સલાહ આપવામાં આવી છે કે નિર્ધારિત સમય બાદ કોઈ પણ રીતે પ્રચાર કરવામા આવે નહી.

 ઉલ્લેખનીય છે કે પ્રથમ ચરણનું મતદાન ૧૧ એપ્રિલે થશે. એવામાં નિર્વાચન આયોગના નિર્દેશ પર દરેક ઉમેદવારો તેમજ તેના પ્રચારકો દ્વારા પ્રચાર ૯ એપ્રિલની સાંજે ૫ વાગ્યા સુધી જ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. આ સમયગાળા બાદ ચૂંટણી કરવા પર તેને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે. અને સંબંધિત ઉમેદવાર તેમજ તેના પ્રચારકોના વિરુદ્ઘ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારાઓમાં કાર્યવાહી કરવામાં આવશે.આ પહેલા રાઉન્ડમાં ૨૦ રાજયો-કેન્દ્રશાસિત પ્રદેશોનાં ૯૧ મતવિસ્તારોમાં ગુરુવારે મતદાન યોજાશે. સાથોસાથ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

પહેલા રાઉન્ડમાં જે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થવાનું છે એના નામ છેઃ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, તેલંગણા, ઉત્તરાખંડ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કશ્મીર, મણીપુર, ઓડિશા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ.

આ મતવિસ્તારોમાં આજે ચૂંટણીપ્રચારનો આખરી દિવસ હોઈ તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે કોઈ કચાશ બાકી નહીં રાખે.

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આસામ, બિહાર અને ઓડિશામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરવાના છે તો ભાજપના પોસ્ટરબોય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે.

મહારાષ્ટ્રના લાતુરમાં, વડા પ્રધાન મોદી સાથે સત્તામાં ભાગીદાર શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે પણ જોડાશે.

(11:35 am IST)