Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચૂંટણી પંચ ભાજપ-સરકારના ઇશારે નાચે છે

દેશના ૬૬ પૂર્વ નૌકરશાહો (સીવીલ સર્વન્ટ)નો રાષ્ટ્રપતિને ધગધગતો પત્રઃ ચૂંટણી પંચ વિશ્વસનીયતાની કટોકટીનો સામનો કરી રહ્યું હોવાનો આરોપઃ ભાજપ અને સરકાર પોતાની વગનો ઉપયોગ કરી આચારસંહિતાનો ભંગ કરી રહ્યો છેઃચૂંટણી પંચની ભૂમિકા અંગે પૂર્વ અધિકારીઓએ અનેક સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી તા. ૯ :.. લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે તે પૂર્વે દેશના ૬૬ પૂર્વ નૌકરશાહોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખી ચૂંટણી પંચના કામકાજ અંગે ચિંતા વ્યકત કરી છે. આ પત્ર થકી મોદી સરકાર ઉપર નિશાન સાધતા જણાવ્યું છે કે ચૂંટણી પંચ વિશ્વસ્તીયતાના સંકટનો સામનો કરી રહ્યું છે જેના પરિણામ સ્વરૂપ ચૂંટણી પ્રક્રિયાની અખંડતાને ખતરો પહોંચી શકે છે. પત્રમાં જણાવ્યું છે કે સત્તારૂપ પક્ષ અને કેન્દ્ર સરકાર પોતાની વગનો ઉપયોગ કરી મનફાવે તેમ આચારસંહિતાનો ભંગ કરી રહ્યાં છે.

૬૬  પૂર્વ નૌકરશાહોએ દેશમાં લાગુ આચારસંહિતાના પાલન પ્રત્યે ચૂંટણી પંચની ભૂમિકાને લઇને સવાલ ઉઠાવ્યા છે. ચૂંટણી પંચની ફરિયાદ કરતા નૌકરશાહોએ પોતાના  પત્રમાં 'ઓપરેશન શકિત' દરમ્યાન એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરિક્ષણ બાદ વડાપ્રધાન મોદીનો રાષ્ટ્ર જોગ સંદેશ, નરેન્દ્ર મોદી પર બની બાયોપિક ફિલ્મ, વેબ સીરીઝ, અને ભાજપના અનેક નેતાઓના વાંધાજનક ભાષણોનો ઉલ્લેખ કર્યો છે જે અંગે ચૂંટણી પંચને ફરીયાદ કરવા છતાં કોઇ પગલા લેવાયા નથી.

રાષ્ટ્રપતિ કોંગ્રેસને પત્ર લખાનારામાં પૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનન, દિલ્હીના પૂર્વ ઉપરાજયપાલ નજીબ જંગા પંજાબના પૂર્વ ડીજીપી જુલિયો  રિબેરો, પ્રસાર ભારતીના પૂર્વ સીઇઓ જવાહર સરકાર અને ટ્રાઇના પૂર્વ ચેરમેન રાજીવ ખુલ્લર જેવા પૂર્વ નૌકરશાહ સામેલ છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે સત્તારૂઢ પક્ષ અને કેન્દ્ર સરકાર  પોતાની રીતે વર્તી આચારસંહિતાનો ભંગ કરી રહી છે. પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી પંચને લઇને અમે ઉંડી ચિંતા વ્યકત કરી રહ્યા છીએ જેની પાસે જટીલતા અને ભારેખમ પડકારો છતાં સ્વતંત્ર - નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો એક લાંબો અને સંમાનજનક રેકોર્ડ હોય તો હવે તે વિશ્વસતીયતાના સંકટથી પીડિત છે પંચની સ્વતંત્રતા- નિષ્પક્ષતા સાથે સમજુતી  થઇ રહી છે.

અત્રે એ નોંધનીય છે કે આ લોકોએ અગાઉ ચૂંટણી પંચને આચારસંહિતાનું ઉલ્લંઘન રોકવા માટે પત્ર લખ્યો હતો જેમાં  મોદીની બાયોપીક ફિલ્મ સહિત અનેક બાબતે પોતાની ચિંતા વ્યકત કરી હતી. તેઓએ પત્રની નકલ ચૂંટણી પંચને પણ મોકલી છે.

(11:34 am IST)