Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મધ્યપ્રદેશ : IT દરોડામાં રૂ. ૨૮૧ કરોડ જપ્તઃ મોટી પાર્ટીને ટ્રાન્સફર કરાયા હતા ૨૦ કરોડ

ત્રણ રાજ્યોના લગભગ પચાસ ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડામાં મોટો ખુલાસો

નવી દિલ્હી તા. ૯ : દિલ્હી ઇન્કમ ટેકસ વિભાગની ટીમ દ્વારા મધ્ય પ્રદેશ ત્રણ રાજયોના લગભગ પચાસ ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડામાં મોટો ખુલાસો થયો છે. કાર્યવાહીમાં ૨૮૧ કરોડ રૂપિયાનો બેહિસાબી કેશ રેકેટનો ખુલાસો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસેસ (સીબીડીટી)એ જણાવ્યું કે રાજનીતિ, વેપાર અને સરકારી સેવાઓ સાથે જોડાયેલા લોકો દ્વારા આ રકમ એકત્ર કરવામાં આવી હતી.

સીબીડીટી મુજબ, કેશનો એક હિસ્સો હવાલા દ્વારા દિલ્હી સ્થિત એક મોટી રાજકીય પાર્ટીના હેડકવાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં ૨૦ કરોડ રૂપિયાની તે રકમ પણ સામેલ છે, જેને હાલમાં જ પાર્ટીના એક સિનિયર પદાધિકારીના તુગલક રોડ સ્થિત આવાસથી પાર્ટી હેડકવાર્ટરમાં મોકલવામાં આવી હતી. જોકે, સીબીડીટી તરફથી જાહેર નિવેદનમાં કોઈ નેતાના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

મૂળે, દિલ્હીની ઇન્કમ ટેકસ વિભાગ ટીમ દ્વારા મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકોના ઠેકાણાઓ પર જોરદાર દરોડાંની કાર્યવાહી થઈ છે. આ કાર્યવાહી લગભગ ૩૦ કલાક સુધી ચાલી. આ દરમિયાન ઇન્દોર અને ભોપાલમાં ઇન્કમ ટેકસની ટીમની સાથે સીઆરપીએફના જવાન પણ હતા. ભોપાલમાં સીઆરપીએફના જવાનોનો એમપી પોલીસ સાથે સંઘર્ષ પણ જોવા મળ્યો હતો.

સીબીડીટીએ જણાવ્યું કે એક પદાધિકારીના નજીકના સંબંધીના સમૂહના દિલ્હી સ્થિત ઠેકાણાઓ પર દરોડાં દરમિયાન અનેક પુરાવા મળ્યા છે. એક ડાયરી પણ સામેલ છે, જેમાં ૨૩૦ કરોડની બેનામી લેવડ-દેવડનો ઉલ્લેખ છે.

ડાયરી ઉપરાંત ૨૪૨ કરોડ રૂપિયાની રકમના નકલી બિલોની ૮૦ કંપનીઓમાં ઉપસ્થિતિના પુરાવા પણ મળ્યા છે.

સીબીડીટીએ એમ પણ જણાવ્યું કે ૧૪.૬ કરોડ રૂપિયાને બેહિસાબી રોકડ, ૨૫૨ દારૂની બોટલો, હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

(10:06 am IST)