Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

લોકસભા ચૂંટણી ૨૦૧૯

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા જાત-જાતના ચૂંટણી ચિન્હો

નવી દિલ્હી તા. ૯ : લોકસભા ચૂંટણીમાં હવે મોટાભાગની પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓ, રાજયકક્ષાની પાર્ટીઓ ઉપરાંત નોંધાયેલી પાર્ટીઓ, ચૂંટણી પંચની માન્યતા ન મળી હોય તેવી બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય છે. ભારતમાં ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પક્ષોને ચૂંટણી ચિન્હ ફાળવવાની શરૂઆત થઈ હતી.

ચૂંટણી ચિન્હ ફાળવવાનું કારણ એ હતું કે, દેશમાં ઘણા બધા મતદારો નિરક્ષર હતા, જેમને વાંચતા કે લખતાં આવડતું ન હતું, પરંતુ તેઓ ફોટો જોઈને ચિન્હને ઓળખી શકે એમ હતા. ભારતમાં રાષ્ટ્રીય પક્ષો અને રાજય કક્ષાના પક્ષોને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિન્હ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. આ ઉપરાંત ચૂંટણી પંચમાં નોંધાયેલી પાર્ટીને પણ બાકી રહેલા ચૂંટણી ચિન્હોમાંથી ચૂંટણી ચિન્હ પસંદ કરવાની છૂટ હોય છે.

ભારતમાં લોકસભા ચૂંટણીમાં એક બેઠક પર ૧૦થી માંડીને ૪૫થી ૫૦ જેટલા ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. જેના કારણે ચૂંટણી પંચને ચૂંટણી લડી રહેલા દરેક ઉમેદવારને ચૂંટણી ચિન્હ આપવું પડતું હોય છે. અપક્ષ ઉમેદવારોને પણ ચૂંટણી પંચને કોઈ ને કોઈ ચિન્હ ફાળવું પડતું હોય છે. આથી, ચૂંટણી પંચ વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓને ચૂંટણીના ચિન્હ તરીકે પસંદ કરતું હોય છે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા ચૂંટણી ચિન્હોનાં નામ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આવા જ કેટલાક નામ અહીં રજૂ કર્યા છે. જેમાં એરકન્ડીશનર, શેરડી-ખેડૂત, કાચનો પ્યાલો, તિજોરી, હાથી, ગ્રામોફોન, લોલક, ટ્રેકટર ચલાવતો ખેડૂત, પેન્સિલ બોકસ, હાથલારી, ડોલ, બંગડીઓ, સાત કિરણો સાથેની કલમની ટાંકનો સમાવેશ થાય છે.

(2:17 pm IST)