Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

હવે પુરૂષો પણ પહેરે છે મંગલસૂત્ર

મુંબઇ તા. ૯ : મહિલાના ગળામાં મંગળસૂત્ર હોવું એના પરથી તે પરિણીત અને સૌભાગ્યવતી હોવાનું સ્પષ્ટ થાય છે, પરંતુ પુરૂષ પરણેલો છે એ કેવી રીતે સ્પષ્ટ થાય, કારણકે પરિણીત પુરૂષ માટે મંગળસૂત્ર જેવો કોઈ દાગીનો આપણા સમાજમાં નથી એ સૌકોઈ જાણે છે. જોકે, તાજેતરમાં કર્ણાટકના વિજાપુર ખાતે લગ્નવિધિ પ્રસંગે વર અને વધૂ, બન્નેએ એકમેકને મંગળસૂત્ર પહેરાવ્યું હોવાની અભૂતપૂર્વ ઘટના બની હતી. આવું એક વર-વધૂની જોડીએ નહીં, પણ બે જોડીએ કરીને નવો ચીલો પાડ્યો હતો.

આ બનાવ  સ્ત્રી-પુરુષ એકસમાન હોવાનું ઉત્ત્।મ પ્રતીક હોવાની પ્રતિક્રિયા વ્યકત થઈ રહી છે. કહેવાય છેને કે 'સમય બદલાઈ રહ્યો છે.' આ વાતાવરણમાં વિજાપુરના બે વર અને બે વધૂએ પરંપરા છોડીને નવી પ્રથા શરૂ કરી હતી. બન્ને વધૂઓ અને બન્ને વર અલગ-અલગ જાતિના હતા. તેમણે બીજો પણ અનોખો નિર્ણય લીધો હતો. તેમણે તેમની લગ્નવિધિ માટે 'શુભ મુહૂર્ત' જેવું કંઈ પસંદ કર્યું જ નહોતું. આ પ્રસંગે પ્રિયા સાથે અમિત અને અંકિતા સાથે પ્રભુરાજ લગ્નગ્રંથિથી જોડાયો હતો અને પોતાની નવવધૂના હાથે મંગળસૂત્ર ધારણ કર્યું હતું. બન્ને યુગલ  સ્ત્રી-પુરુષની સમાનતામાં માને છે અને પોતાની આ અનોખી લગ્નવિધિ મારફત સમગ્ર સમાજને આ સંદેશ મોકલવા માગે છે. વધુ રસપ્રદ બાબત એ છે કે આ ઘટના લિંગાયત સમાજમાં બની છે. ૧૨મી સદીમાં આ જ સમાજના પ્રખર આગેવાન બસવન્ના  સ્ત્રી-પુરૂષ સમાનતાના હિમાયતી હતા. બન્ને વરના પિતા ૧૨મી સદીના બસવન્નાના ચુસ્ત અનુયાયી છે.

(10:04 am IST)