Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચૂંટણી પર્વને લોહીના રંગે રંગવા પાકિસ્તાનનું ષડયંત્ર

ચૂંટણી દરમ્યાન હિંસા ફેલાવવા ત્રાસવાદી સંગઠનો સક્રિયઃ ભારતમાં અશાંતિ ફેલાવવા મનસુબાઃ હાફીજ-મસુદ અઝહરની કાળમુખી નજર ફરી પુલવામા અને તેની આસપાસ કેન્દ્રીત છેઃ દહેશત ફેલાવવા અધીરા બન્યા

નવી દિલ્હી તા.૯: પાકિસ્તાન લોકસભા ચૂંટણી દરમ્યાન કાશ્મીર ખીણમાં અસ્થિરતા ફેલાવવાની કોશિષ કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં કહેવાયું છે કે ચૂંટણી દરમ્યાન ખીણમાં હિંંસા ફેલાવવા અને આતંકવાદી ગ્રુપોને મદદ કરવાની કોશિષો સીમા પારથી ચાલુ જ છે. પાકિસ્તાન ઇચ્છે છે કે કાશ્મીરમાં શાંતિપૂર્ણ મતદાન કરાવવાના સુરક્ષાદળોના પ્લાનમાં ખલેલ પહોંચે અને ડરના કારણે લોકો મત આપવા બહાર ન નિકળે.

રિપોર્ટમાં કહેવાયું છે કે આતંકવાદી ગ્રુપોએ પાકિસ્તાનમાં હાજર પોતાના માલિકોના આદેશ પર પ્લાન તૈયાર કર્યો છે. ખીણના ઘણા વિસ્તારોને અશાંતિ ફેલાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ -એ-મહમ્મદ અને હિઝબુલ મુજાહીદ્દીન આતંક ફેલાવવા માટે એકબીજા સાથે હાથ મિલાવવાની રણનીતિ બનાવી રહ્યા છે.

સૂત્રોએ કહ્યું કે હાફિઝ સઇદ અને મસૂદ અઝહરના ગ્રુપના નિશાન પર ફરી એકવાર પુલવામા અને તેની આસપાસનો વિસ્તાર છે. સોપોર, બાંદીપોરા, ગાંદરબલ, અવંતીપોરા, પલ્લીપોરા, ત્રાલ વગેરે વિસ્તારોને લક્ષ્ય બનાવીને હુમલો કરવાની સાજીસ રચાઇ છે. ખીણમાં સુરક્ષાદળોના હથિયાર છિનવવા અને તેમને સીધા નિશાન બનાવવાના પ્રયત્નો થઇ શકે છે. ચૂંટણીનું પહેલું ચરણ ૧૧ એપ્રિલે છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર આતંકવાદીઓ કોઇપણ રીતે દહેશત ફેલાવવાના એકમાત્ર એજન્ડા પર કામ કરી રહ્યા છે.

(10:03 am IST)