Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા ૨૫ લાખ કરોડનો ખર્ચ કરાશે

આતંકવાદના મૂળ પર પ્રહાર કરાયો : અમિત શાહ : ભારતની સરહદ સાથે હવે કોઇ ચેડા કરી શકે નહીં તેવો સંદેશો વિશ્વભરમાં ફેલાવી દેવાયો છે : ગૌરવ આસમાને

નવી દિલ્હી, તા. ૮ : સંકલ્પપત્ર નામથી ઘોષિત કરવામાં આવેલા ભાજપના ઘોષણાપત્રમાં ધારણા પ્રમાણે જ ખેડૂતોની આવકને બે ગણી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આમા જણાવવામાં આવ્યું છે કે, કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે ૨૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ખેડૂતોને મૂળભૂત સુવિધાઓ મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને આ યોજના હેઠળ તમામ લાભ પણ આપવામાં આવશે. નાના તથા ખેતીહર ખેડૂતોને સામાજિક સુરક્ષા માટે ૬૦ વર્ષની વય બાદ પેન્શનની યોજનાનો લાભ આપવામાં આવશે. ખેડૂતોને ૧થી પાંચ વર્ષની અવધિ માટે એક લાખ રૂપિયા સુધી નવી કૃષિ લોન વ્યાજવગર આપવામાં આવશે. અર્થતંત્ર માટે પણ યોજના રજૂ કરવામાં આવી છે જેના ભાગરુપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નાના ઉદ્યોગોને એક લાખ કરોડ રૂપિયાનું ક્રેડિટ ગેરન્ટી આપવામાં આવશે. નાના દુકાનદારોને પેન્શનની સુવિધા આપવામાં આવનાર છે. સંકલ્પપત્ર જારી કરીને ભાજપના નેતાઓએ કહ્યું છે કે, ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે એનડીએના શાસનમાં અનેક મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. આ ગાળામાં દેશે રેકોર્ડ સફળતા હાંસલ કરી છે. ભાજપ પ્રમુખ અમિત શાહે સંકલ્પપત્ર અંગે માહિતી આપતા કહ્યું હતું કે, દેશમાં નિરાશાનો માહોલ ખતમ થયો છે. છ કરોડ લોકોના અભિપ્રાય લઇને સંકલ્પપત્ર તૈયાર કરાયો છે. એક મજબૂત અને નિર્ણાયક સરકાર આપવાનું વચન અમે આપી રહ્યા છે. કોંગ્રેસના સાથીઓના ગઠબંધનવાળા શાસનમાં જે નિરાશા હતી તે હવે આશામાં ફેરવાઈ ચુકી છે. ૨૦૧૪થી ૨૦૧૯ સુધી દેશનો સર્વાંગી વિકાસ થયો છે. આજે દેશમાં દુનિયામાં એક મહાશક્તિ બનીને ઉભરવાની આસા દેખાઈ રહી છે. અમિત શાહે કહ્યું હતું કે, ભારત આજે મહાશક્તિ તરીકે ઉભરી ચુક્યું છે.

દરેક ભારતીયમાં આ દિવસનો ઇંતજાર હતો. અમિત શાહે એમપણ કહ્યું હતું કે, મોદી સરકારની અવધિમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થઇ છે. દેશનું ગૌરવ આસમાને પહોંચ્યું છે. દેશની સુરક્ષા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક મારફતે આતંકવાદના મૂળ ઉપર પ્રહાર કરાયા છે. દેશના લોકો હવે સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. એવો સંદેશ વિશ્વમાં આપી દેવામાં આવ્યો છે કે, ભારતની સરહદ સાથે કોઇપણ ચેડા કરી શકે નહીં.

પાંચ વર્ષમાં કઈ સિદ્ધિ...

નવીદિલ્હી, તા. ૮ : સંકલ્પપત્ર જારી કરવા માટે આયોજિત કાર્યક્રમમાં બોલતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું  હતું કે, ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચેના ગાળામાં અનેક આર્થિક ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જે સિદ્ધિ હાંસલ થઇ તે નીચે મુજબ છે.

*   ૩૪ કરોડ નવા બેંક ખાતા ખોલી દેવામાં આવ્યા

*   પહેલા ૫૯ ગામ ઓપ્ટીકલ ફાઇબર સાથે જોડાયા હતા હવે એક લાખ ૧૬ હજાર ગામોમાં આ સુવિધા છે

*   પહેલા બે મોબાઇલ ફેક્ટરી હતી આજે આ સંખ્યા ૧૨૭ ઉપર પહોંચી ગઈ છે

*   ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારત પહેલા ૧૪૨માં સ્થાને હતું. મોદી સરકારમાં તેમાં ૬૫ સ્થાનોનો સુધાર થયો છે

*   ૧૨ કિલોમીટરની જગ્યાએ હવે દરરોજ ૩૫ કિમીના હાઇવે

 

 

(12:00 am IST)