Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

અકસ્માતમાં પિતાનું અવસાન થયા બાદ ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા લગ્નની કંકોત્રીમાં ટ્રાફિકના નિયમો સમજાવ્યા

જયપુરઃ રાજસ્થાનના લગ્નો ભવ્યતા માટે ચર્ચાતા હોય છે, પણ અેક લગ્ન કંકોત્રીને કારણે ચર્ચામાં છે. લગ્નની કંકોત્રીમાં નિમંત્રણની સાથે ટ્રાફિક રૂલ્સ પણ છાપવામાં આવ્યા છે.

લગ્નનું આ કાર્ડ છપાવનાર છે રાજસ્થનના ભરતપુરમાં ટ્રાફિક પોલીસની મહિલા સબ-ઈન્સ્પેક્ટર મંજૂ ફોજદાર. 19 એપ્રિલે મંજૂના લગ્ન શિક્ષક હરવીર સિંહ સાથે થશે. લગ્નની કંકોત્રીમાં ટ્રાફિકના 6 નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામ નિયમો પાળવાની સલાહ અપાઈ છે.

આ અનોખી પહેલ અંગેએ મંજૂએ જણાવ્યું કે, “દરરોજ સેંકડો લોકો ટ્રાફિકના નિયમો ન જાણવાને કારણે કે પછી તોડવાને કારણે જીવ ગુમાવે છે. અમે પોલીસવાળા દરરોજ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહીએ છીએ અને જે પાલન નથી કરતાં તેને ચલન આપીએ છીએ. હું પણ દરરોજ આ કામ કરું છું.

લગ્ન માટે મંજૂ રજા પર ઉતરવાની છે, એવામાં એ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું નહીં કહી શકે. એટલે તેણે કંકોત્રી દ્વારા પોતાના સંબંધીઓ, મિત્રો અને પરિચિતોને ટ્રાફિકના નિયમોની જાણ કરવાનું નક્કી કર્યું. એટલે જ તેણે કાર્ડ પર નિમંત્રણની સાથે સાથે ટ્રાફિકના નિયમો પણ લખી દીધા.

મંજૂએ જણાવ્યું કે, ”મારા પિતા ઈશ્વર સિંહ પણ પોલીસમાં હતા. જ્યારે હું 1 વર્ષની હતી ત્યારે રોડ એક્સિડંટમાં મારા પિતાનું મોત થયું. મારા ભાઈ દેવેંદ્ર સિંહનું પણ 2006માં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું.ઘરમાં મંજૂ સિવાય બે બહેનો હતી. મંજૂની માતાએ મંજૂને ભણાવવામાં કોઈ કચાશ ન રાખી જેના પરિણામે આજે મંજૂ એક સબ-ઈન્સ્પેક્ટર છે.

જ્યારે મંજૂ ટ્રાફિક વિભાગમાં જોડાઈ ત્યારે તેણે નક્કી કર્યું કે તે લોકોને રોડ એક્સિડંટ અને ગાડી ચલાવવાના નિયમો અંગે માહિતગાર કરશે કારણકે તે રોડ દુર્ઘટનામાં પિતા અને ભાઈને ગુમાવી ચૂકી છે. ત્યારથી મંજૂ બધામાં ટ્રાફિક અવેરનેસ ફેલાવી રહી છે. અને જ્યારે તે રજા પર જવાની છે ત્યારે લગ્નની કંકોત્રી દ્વારા જાગૃતિ ફેલાવવાનું કામ ચાલુ રાખ્યું છે.

(6:25 pm IST)