Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ચેન્નઇમાં IPL સામે રજનીકાંતે બાંયો ચઢાવી

કમલ હાસન સાથે હાથ મિલાવી બહિષ્કારનું એલાનઃ ખેડૂતો ભૂખમરા અને દેવા સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આવા આયોજનો અર્થવિહીન

ચેન્નઇ તા. ૯ : તમિળ ફિલ્મ અભિનેતા રજનીકાંત અને કમલ હાસને તમામ મતભેદોને ભૂલાવીને કાવેરી મેનેજમેન્ટ બોર્ડ-સીએમબીની રચના કરવામાં કેન્દ્ર સરકારને મળેલી નિષ્ફળતાના વિરોધમાં હાથ મિલાવ્યા હતા અને લોકોને ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ)નો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. તેમની વચ્ચેના તમામ મતભેદોને ભૂલીને આ બંને વરિષ્ઠ અભિનેતા ચેન્નઇના વાલુવારકોટ્ટમ ખાતે યોજાયેલા વિરોધપ્રદર્શનમાં અન્ય અભિનેતાઓ સાથે જોડાયા હતા. રાજયના ખેડૂતો ભૂખમરાનો અને દેવાંનો સામનો કરી રહ્યા છે તેવા સમયે આઇપીએલના આયોજન અંગે બંને સુપરસ્ટારે અન્ય વિપક્ષની જેમ જ રોષ વ્યકત કર્યો હતો.

પાણીની તીવ્ર અછતને કારણે રાજયના ખેડૂતોની પીડાને ધ્યાનમાં લઈને આ વરસે ચેન્નઇમાં આઇપીએલની મેચો ન રમાય તે સારું હશે એમ જણાવતાં રજનીકાંતે કહ્યું હતું કે જો આ તબક્કે એમ કરવું શકય ન હોય તો તમામ ખેલાડીઓએ ખેડૂતોની સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોરવા કાળીપટ્ટી પહેરીને રમવું જોઈએ.

ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે) ફ્રેન્ચાઇઝીએ આ મુદ્દે વિચાર કરવો જોઈએ અને ચેન્નઇમાં આઇપીએલની મેચ રમાડવાનો આ યોગ્ય સમય ન હોવાનું સમજવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

બે વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં પાછી ફરેલી સીએસકેની ટીમે પ્રથમ જ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમને પરાજય આપ્યા બાદ આ હાકલ આવી પડી હતી.

તમિળનાડુના નાના ખેડૂતોની સમસ્યાને ધ્યાન પર લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ પ્રકારના વિલંબ વિના સીએમબીની રચના કરવાને મામલે દખલગીરી કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

સીએમબીને મામલે કમલ હાસને પણ કેન્દ્ર સરકારના વલણ અંગે નારાજગી વ્યકત કરી હતી.

(10:29 am IST)