Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બેડ લોન્સઃ ૯ મહિનામાં બેંકોના ૧.૧૫ લાખ કરોડ રૂપિયા 'સત્તાવાર' રીતે સલવાયા

સરકારે સંસદમાં આપી માહિતીઃ બેંકો ઉઘરાણી ચાલુ રાખશે, પરંતુ સલવાયેલા રૂપિયા પરત મળશે કે કેમ તે એક સવાલ

નવી દિલ્હી, તા.૯: એક તરફ, બેંકો સામાન્ય માણસ પાસેથી જાતભાતના ચાર્જ વસૂલીને તગડી કમાણી કરતી હોય છે, જો લોનનો એકાદ હપ્તો ભરવાનું ચૂકી જવાય તો તગડો દંડ કરતી હોય છે, ત્યારે બીજી તરફ બેંકો તગડી લોન લઈને બેસેલા લોકો પાસેથી ૧.૧૫ લાખ કરોડની વસૂલી કરવામાં નિષ્ફળ રહી છે. નાણાંકીય વર્ષના પહેલા ત્રણ કવાર્ટર એટલે કે એપ્રિલ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ સુધીના ગાળામાં દેશની બેંકોએ ૧.૧૫ લાખ કરોડ રુપિયાની બેડ લોન્સને પોતાની બેલેન્સ શીટમાંથી હટાવી દીધી છે. લોકસભામાં આ અંગે પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા સરકારે જ તેની કબૂલાત કરી હતી.

બેંક દ્વારા આપવામાં આવેલી લોનની વસૂલી ના થઈ શકે ત્યારે તેને બેડ લોન જાહેર કરવામાં આવે છે. આરબીઆઈના નિયમ અનુસાર, બેંકે જેટલી રકમની લોન બેડ લોન જાહેર થાય તેટલી રકમની અલગથી જોગવાઈ કરવી પડે છે. જો ચાર વર્ષ સુધી બેડ લોનમાં કોઈ પ્રકારની વસૂલી ના થાય તો પછી બેંકો તેની રકમને પોતાના વતી બેલેન્સ શીટમાં ઉમેરીને લોનની અમાઉન્ટને રાઈટ-ઓફ કરી (બેલેન્સ શીટમાંથી હટાવી) દેતી હોય છે.

આરબીઆઈની ગાઈડલાઈન્સ અને બેંકોના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી પોલિસી હેઠળ બેડ લોનના ચાર વર્ષ પૂરા થયા હોય અને તેનું ફુલ પ્રોવિઝન પણ કરાઈ ચૂકયું હોય, તેમને બેંકની બેલેન્સ શીટમાંથી બહાર કરી દેવાઈ છે. આ માહિતી જુનિયર નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આપી હતી.

ઠાકુરે જણાવ્યું હતું કે, બેંકો પોતાની બેલેન્સ-શીટ ચોખ્ખી કરવાની કવાયત નિયમિત રીતે હાથ ધરતી હોય છે, અને તેના ભાગરુપે જે લોનની વસૂલી અટવાઈ ગઈ હોય, તેનું પ્રોવિઝન કરીને તેની અસરનું આકલન કરાતું હોય છે. તેમાં બેંક આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર તેમજ પોતાના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પોલિસીને આધિન રહી ટેકસ બેનિફિટ અને મૂડીનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ પણ સામેલ છે.

જોકે, મંત્રીએ સંસદને એમ પણ જણાવ્યું હતું કે, બેંકોએ ભલે પોતાની બેલેન્સ શીટ ચોખ્ખી કરવા માટે બેડ લોન્સને તેમાંથી દૂર કરી દીધી હોય, પરંતુ તેનો ફાયદો લોન લેનારાઓને નહીં મળે. કારણકે, આ કેસમાં લોન લેનાર તેની ચૂકવણી કરવા માટે જવાબદાર રહેશે અને બેંક પણ તેની પાસેથી ઉઘરાણી કરવાનું ચાલુ રાખશે. RBIના ડેટા અનુસાર, શિડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકોએ ૨૦૧૮-૧૯ દરમિયાન ૨,૩૬,૨૬૫ કરોડ રુપિયાની લોન જતી કરી છે. જયારે ૨૦૧૯-૨૦ દરમિયાન આ આંકડો ૨,૩૪,૧૭૦ કરોડ રુપિયા અને ૨૦૨૦-૨૧ના પહેલા ત્રણ કવાર્ટર દરમિયાન ૧,૧૫,૦૩૮ કરોડ રુપિયા હતો. આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર, રિટન-ઓફ કરી દેવાયેલી લોનની વસૂલી કરવા માટે બેંકોએ લોન રિકવરી પોલિસી બનાવવી પડશે, જે તેમના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી હોવી જોઈએ અને કઈ રીતે આ લોન્સની વસૂલી થશે તેની પૂર્ણ વિગતો તેમાં સામેલ હોવી જોઈએ. રિકવરી કરવાની પદ્ઘતિઓમાં સિવિલ કોર્ટમાં કેસ કરવાથી લઈને ડેબ્ટ્સ રિકવરી ટ્રિબ્યૂનલમાં જવું, નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલમાં કેસ કરવાથી લઈને લોન લેવા માટે ગીરવે મૂકાયેલી સંપત્તિની હરાજી કરવાના વિકલ્પો પણ તેમાં સમાવિષ્ટ છે.

(4:07 pm IST)
  • સાંજે ૪:૩૦ વાગ્યે ઉત્તરાખંડના ભાજપના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે અંતે રાજીનામુ આપી દીધુ છે : તેમના સ્થાને મોટાભાગે અનિલ બલૂની મોખરે દોડે છે : વિકલ્પે ધનસિંહ રાવતનું નામ પણ ચર્ચામાં છે access_time 4:33 pm IST

  • ઇડીએ મની લોન્ડરિંગના મામલામાં ઉત્તર પ્રદેશના પૂર્વ બસપા એમએલસી મોહમ્મદ ઇકબાલની ₹ 1,097 કરોડની સાત સુગર મિલો જપ્ત કરી છે. access_time 5:20 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST