Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

દિલ્હીમાં હિંસા ભડકાવવાના આરોપમાં તાહિર હુસૈનના ભાઈ શાહ આલમની ધરપકડ કરાઈ

શાહ આલમને આસરો આપનાર ત્રણ અન્ય લોકોની પણ ધરપકડ

 

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેટ કોર્પોરેટર તાહિર હુસૈનના ભાઈ શાહ આલમની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટીએ શાહ આલમને ઝડપી લીધો છે. શાહ આલમને આસરો આપનાર ત્રણ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે તાહિર હુસૈન સાથે જોડાયેલા અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઈ ચુકી છે. રવિવારે દિલ્હી પોલીસે શાહ આલમને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો.

શાહ આલમ પર ઉત્તર પૂર્વી દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ છે. સૂત્રો પ્રમાણે દિલ્હી પોલીસે તાહિર હુસૈનના ભાઈ શાહ આલમ દિલ્હી હિંસામાં સંડોવાયેલો હોવાના પૂરાવા મળ્યા છે. મહત્વનું છે કે દિલ્હી પોલીસ તાહિરના ઘણા અન્ય સંબંધીઓ પર નજર રાખી રહી છે. હકીકતમાં સાત દિવસના રિમાન્ડ પર રહેલા તાહિર હુસૈનની ઘટના વાળા દિવસે કુંડળી શોધવા પર શુક્રવારે મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીને ઘણી જાણકારી મળી છે.

દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચના એક સૂત્ર પ્રમાણે, 'ઘટનાના દિવસે તાહિર હુસૈને સૌથી વધુ જે લોકો સાથે વાત કરી, એસઆઈટીએ શુક્રવારે તે 15 લોકોની ઓળખ કરી લીધી છે. આ વાતચીત મોબાઇલ દ્વારા થઈ હતી. તાહિરે આ દિવસે સૌથી વધુ વાત કોની સાથે કરી? તેનો ખુલાસો થઈ શક્યો નથી.'

એસઆઈટીના સૂત્રો પ્રમાણે, 'ઓળખ કરાયેલા લોકોમાં તાહિરના સંબંધીઓ પણ સામેલ છે. જેના વિશે તાહિરે માત્ર એટલું કહ્યું કે, ઘટનાવાળા દિવસે તે લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાનું કહી રહ્યો હતો. પરંતુ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને તેની આ દલીલ ગળે ઉતરી રહી નથી.'

(12:23 am IST)