Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

અફઘાનિસ્તાનમાં અશરફ ઘનીના શપથગ્રહણ સમારંભ પર રૉકેટથી હુમલો: અબ્દુલ્લાહનું સમાંતર શપથગ્રહણ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનના બે મુખ્ય રાજકારણીઓએ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. બંને નેતાઓએ અલગ અલગ જગ્યાએ રાષ્ટ્રપ્રમુખ પદના શપથગ્રહણ સમારોહ યોજ્યા છે.

 2014થી રાષ્ટ્રપ્રમુખ રહેલાં અશરફ ઘનીએ પ્રેસિડેન્ટ પૅલેસમાં શપથગ્રહણ સમારોહ યોજ્યો હતો. જ્યારે અબ્દુલ્લાહે સાપેદાર પૅલેસમાં શપથગ્રહણ સમારોહ યોજ્યો હતો.

આ દરમિયાન સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ અશરફ ઘનીના શપથગ્રહણ સમારંભ નજીક બ્લાસ્ટની ઘટના પણ બની છે. જોકે આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ વિગતો હજી આવી નથી.

સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ ઇસ્લામિક સ્ટેટે અશરફ ઘનીના શપથગ્રહણના સ્થળને રૉકેટથી ટાર્ગેટ કર્યું હોવાના અહેવાલ છે.

અશરફ ઘનીનો શપથગ્રહણ સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે ધડાકા સંભળાયા હતા અને અમુક લોકો નાસભાગ કરતાં જોવા મળ્યા. રૉયટર્સ મુજબ ઇસ્લામિક સ્ટેટે કોઈ પુરાવા આપ્યા વિના તેની ટેલિગ્રામ ચૅનલ પર આ હુમલો તેમણે કર્યો હોવાનો દાવો કર્યો છે.

રૉયટર્સે ઘટનાસ્થળે હાજર વ્યક્તિને ટાંકીને કહે છે કે, આમાં કોઈ નુકસાની થઈ નથી. ધડાકાના અવાજ પછી પણ અશરફ ઘનીએ તેમનું ભાષણ ચાલું રાખ્યું હતું.કથિત રીતે રૉકેટ શપથગ્રહણ સમારંભ નજીક કંપાઉન્ડ વૉલ સાથે અથડાયું છે.

ચૂંટણીપંચે કહ્યું, "સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં અશરફ ઘની નજીવી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા.જોકે, ઘનીના પ્રતિસ્પર્ધી અબ્દુલ્લાહ અબ્દુલ્લાહએ આ પરિણામને છેતરપિંડી ગણાવી હતી.

અફઘાનિસ્તાન અનેક વર્ષોની હિંસા પછી હવે તાલિબાન સાથે શાંતિ મંત્રણા કરવા તૈયાર થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે.

(8:48 pm IST)