Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

આરોપીઓના ફોટા સાથેના પોસ્ટર દૂર કરવાનો આદેશ

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારને મોટો ફટકો પડ્યો : અલ્હાબાદ હાઈકોર્ટે કઠોર વલણ અપનાવીને સ્પષ્ટ સૂચના આપી : ફોટા લગાવવાની બાબત સ્વતંત્રતાની સામે :અલ્હાબાદ હાઈકોર્ટ

લખનૌ, તા.૯ : ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન વ્યાપક હિંસા થઇ હતી. ઉત્તરપ્રદેશ સરકારે હિંસા ભડકાવવાના કેટલાક આરોપીઓના ફોટાવાળ પોસ્ટર લગાવી દીધા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટે લાલઆંખ કરીને આ પોસ્ટરોને દૂર કરવા માટેના આદેશ જારી કરી દીધા છે. આ પહેલા લખનૌમાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યા બાદ હાઈકોર્ટે મામલાની ગંભીરતાની નોંધ લીધી હતી. નાગરિક સુધારા કાનૂનને લઇને ઉત્તરપ્રદેશની યોગી સરકારને આજે ફટકો પડ્યો હતો. કારણ કે, હાઈકોર્ટે આરોપીઓવાળા પોસ્ટરોને તરત દૂર કરવા માટે આદેશ કરી દીધો છે. મામલા પર રવિવારના દિવસે જ અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને રમેશ સિંહાની બેંચે લખનૌમાં સીએએ વિરોધી પ્રદર્શનમાં સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપીઓના રસ્તા ઉપર ફોટા સાથેના પોસ્ટરોને તરત જ દૂર કરવાનો આદેશ કર્યો હતો.

          સાથે સાથે ૧૬મી માર્ચના દિવસે આદેશના પાલનની સાથે એફિડેવિટ દાખલ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આ પ્રકારના ફોટા લગાવવની બાબત અંગતતાના ભંગ સમાન છે. અલ્હાબાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, કોઇપણ કાનૂની માહિતી અને નુકસાનના આંકડા વગર વસુલી માટે પોસ્ટરમાં ફોટા લગાવવાની બાબત ગેરકાયદે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, આ અંગતતાના અધિકારનો ભંગ છે. ચીફ જસ્ટિસની કોર્ટમાં ચાલેલી સુનાવણી રાઘવેન્દ્રપ્રતાપ સિંહે કહ્યું હતું કે, સરકારના આ પ્રકારના કઠોર નિર્ણયથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ઉપર બ્રેક મુકી શકાશે. આવા મામલામાં કોર્ટે દરમિયાનગીરી કરવી જોઇએ નહીં.

           લખનૌ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે પોસ્ટર લગાવવાની તરફેણમાં દલીલો આપી હતી. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, હિંસા ફેલાવનાર તમામ જવાબદાર લોકોના લખનૌમાં પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા છે. તમામ આરોપીઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવનાર છે. ચાર રસ્તા પર આ પોસ્ટર એટલા મટે લગાવવમાં આવ્યા છે કે, હિંસા, તોડફોડ અને સરકારી સંપત્તિને નુકસાન કરનાર લોકોનો પર્દાફાશ થઇ શકે છે. આ દલીલ પર હાઈકોર્ટે કહ્યું હતું કે, માર્ગો ઉપર કોઇપણ નાગરિકના પોસ્ટર લગાવવાની બાબત તેમના સન્માન અને તેમની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. જાહેર સ્થળ પર સંબંધિત વ્યક્તિની મંજુરી વિના તેમના ફોટા અથવા પોસ્ટર લગાવવાની બાબત ગેરકાનૂની છે. આ અંગતતાના અધિકારનો સીધો ભંગ છે.

(7:43 pm IST)