Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

નિર્ભયા કેસમાં દોષિતોના બધા દાવપેચ જારી , ફાંસી નહીં ટળે

દોષિતોને ૨૦મી માર્ચના દિવસે ફાંસી અપાનાર છે : મુકેશની અરજી ઉપર ૧૬ માર્ચના દિવસે સુનાવણી કરાશે

નવી દિલ્હી,તા. ૯ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગ રેપ અને હત્યા કેસના મામલામા ફાંસીથી બચવા માટેના તમામ દાવપેંચ અપરાધીઓ દ્વારા અજમાવવામાં આવી રહ્યા છે. જો કે જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે આ વખતે ફાંસીની તારીખ ટળી શકશે નહીં. ૨૦મી માર્ચના દિવસે સવારે ૫.૩૦ વાગે નિર્ભયાના દોષિતોને ફાંસી થનાર છે. કાનુની જાણકાર લોકો કહે છે કે હવે ફાંસીની તારીખ ટળવાની શક્યતા દેખાઇ રહી નથી. નિર્ભયાના દોષિત મુકેશ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ક્યુરેટિવ પિટીશન ફરી એકવાર દાખલ કરવાની મંજુરી માંગવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં ૧૬મી માર્ચના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. બીજી બાજુ અન્ય અપરાધીઓના વકીલ એપી સિંહે કહ્યુ છે કે આવનાર સપ્તાહમાં તેમના તરફથી અન્ય અરજી પણ કરવામાં આવનાર છે. ફાંસી પર રોક માટે અપીલ કરવામાં આવનાર છે. આ રીતે જોવામાં આવે તો અપરાધીઓ હવે કોઇ પણ કાનુની દાવપેચ અજમાવતા ખચકાટ અનુભવ કરી રહ્યા નથી.

            જો કે કાનુની જાણકાર લોકો કહી રહ્યા છે કે હવે ફાંસીની તારીખ બદલી નાંખવામાં આવનાર નથી. મુકેશના વકીલ એમએલ શર્મા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ભારત સરકાર, દિલ્હી સરકાર અને એમિકસ ક્યુરીને પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે તેમને કાવતરાના શિકાર બનાવી દેવામાં આવ્યા છે. તેમને કહેવામાં આવ્યુ નથી કે લિમિટેશન એક્ટ હેઠળ ક્યુરેટિવ પિટીશન દાખલ કરવા માટે ત્રણ વર્ષનો સમય હોય છે. આ રીતે જોવામાં આવે તો તેમને મૌલિક અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. આ જ કારણસર રિટ દાખલ કરવામાં આવી છે. એપી સિંહે માહિતી આપતા કહ્યું છે કે, અક્ષય તરફથી પણ અરજી દાખલ કરવામાં આવશે.

અક્ષયની પ્રથમ દયાની અરજી અધુરી હતી. બીજી વખત દયાની અરજી દાખલ કરી હતી જે પેન્ડિંગ હતી. દયાની અરજી દાખલ કરવામાં આવ્યા બાદ આ બાબત ખુલી હતી કે,  દયાની અરજી પેન્ડિંગ હોવા છતાં પાંચમી માર્ચના દિવસે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.  સિંહે કહ્યું છે કે, પવનની દયા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ૨૪ કલાકની અંદર ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી તેને તક આપવામાં આવી ન હતી. આ તમામ પ્રશ્નોને ઉપરની કોર્ટમાં ઉઠાવવામાં આવશે અને ફાંસીની તારીખ ટાળવાની રજૂઆત કરવામાં આવશે. બીજી બાજુ કાનૂની જાણકાર લોકો કહે છે કે, ચારેય અપરાધીઓની રિવ્યુ, ક્યુરેટિવ અને દયાની અરજી ફગાવી દેવામાં આવી છે. છેલ્લી દયાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ૧૪ દિવસ બાદની ફાંસીની તારીખ નક્કી થઇ છે જેથી હવે દયાની અરજી અથવા તો અન્ય કોઇ અરજીનો કોઇ ફાયદો થશે નહીં. તારીખ બદલવાની શક્યતા નહીંવત છે.

(7:42 pm IST)