Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ઇરાનમાં ફસાયેલા ભારતના લોકોને પરત લાવવા તૈયારી

ગ્લોબ માસ્ટર લશ્કરી વિમાન રવાના કરાયું : ઇરાનમાં કોરોના વાયરસના કેસો સતત વધ્યા : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૯ : ઇરાનમાં કોરોના વાયરસને લઇને હાલત કફોડી બનેલી છે. ઇરાનમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો અટવાઈ પડ્યા છે જેના ભાગરુપે ભારત હવે અટવાઈ પડેલા ભારતીયોને લાવવા માટે કોરોના વાયરસગ્રસ્ત ઇરાનમાં સી-૧૭ ગ્લોબમાસ્ટર લશ્કરી વિમાન મોકલનાર છે. આના માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઇરાનમાં કોરોના વાયરસના ૪૩ નવા કેસો નોંધાઈ ચુક્યા છે. આની સાથે જ મોતનો આંકડો પણ વધીને ૨૩૭ સુધી પહોંચી ચુક્યો છે. ઇરાન દ્વારા કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ૭૦૦૦૦થી વધુ કેદીઓને જેલમાંથી છોડી દીધા છે. અટવાઈ પડેલા ભારતીયોને લાવવા માટે ઉચ્ચ સ્તરે વાતચીત થઇ ચુકી છે. ભારતીયોને લાવવા માટે એરફોર્સનું વિમાન રવાના થઇ ચુક્યું છે.

          કોરોના વાયરસના લીધે એરઇન્ડિયા એક્સપ્રેસે યાત્રીઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે જેના લીધે યાત્રાના ત્રણ દિવસ પહેલા સુધી યાત્રાની તારીખ બદલવા પર કોઇ વધારાના ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધા ૧૨મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી અમલી રહેનાર છે. ઇરાનમાં સ્થિતિ દિન પ્રતિદિન વધુ ખતનાક બની રહી છે. સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ઇરાનની ગણતરી થઇ ચુકી છે. ઇટાલીમાં ૩૬૬, અમેરિકામાં ૨૧ અને ઇરાનમાં ૨૩૭ લોકોના મોત થઇ ચુક્યા છે. યુએઈમાં પણ ૧૪ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. ઇરાન અને અન્ય દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. આવી સ્થિતિમાં તેમને સુરક્ષિતરીતે ખસેડી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જુદા જુદા આઈશોલેશન વોર્ડ પણ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસના કેસો જ્યાં સૌથી ઝડપથી વધ્યા છે તે ઇરાનમાં ૨૦૦૦થી વધુ ભારતીય લોકો રહે છે.

(7:41 pm IST)