Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

હવે IPL ઉપર મંડરાતો 'કોરોના'નો ખતરો : રદ્દ થવાની શકયતા

મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રીએ કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા : ટુર્નામેન્ટ રમાડવી કે રદ્દ કરવી તે વિશે ચર્ચા ચાલુ : ગમે ત્યારે જાહેરાત થવાની સંભાવના

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી ૪૦થી વધુ લોકો શંકાસ્પદ છે. એવામાં આ મહિનાના અંતમાં શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝન મુશ્કેલીમાં મુકાઇ શકે છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે એક જગ્યાએ ઘણા લોકોની ભીડ ભેગી થવાને કારણે સંક્રમણનો ખતરો વધી શકે છે જેને કારણે આઇપીએલ ટાળી શકાય છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અનુસાર, કાર્યક્રમને કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોયા બાદ તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

બીસીસીઆઇના સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસના ડરથી આ વખતે આઇપીએલને રદ કરવામાં આવી શકે છે. સુત્રો અનુસાર જયારે આઇપીએલની પ્રથમ મેચ રમાશે ત્યારે તાપમાન ૨૪-૨૫ ડિગ્રીની આસપાસ હશે. એવામાં આ વાયરસની અસર ઓછી થઇ જશે, માટે કોરોના વાયરસને કારણે આઇપીએલને રદ કરવી કે ના કરવી તેનો કોઇ નિર્ણય લેવો મુશ્કેલ છે. જોકે, બીસીસીઆઇ કોરોના વાયરસથી ઉભી થયેલી સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળેલા ઓફિશિયલ આંકડા અનુસાર, અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના ૪૧ કેસની પૃષ્ટી થઇ છે. બીસીસીઆઇ અનુસાર કોરોના વાયરસના ખતરાને જોતા આ સબંધમાં તમામ સ્ટેકહોલ્ડર્સ, ખેલાડી, ફ્રેન્ચાઇઝી, એરલાઇન્સ, ટીમ હોટલ્સ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લીગ સાથે જોડાયેલા તમામ પક્ષોને જરૂરી સાવધાની રાખવા માટે સરકારના આદેશોનું પાલન કરવા કહેવામાં આવશે.

બીસીસીઆઈએ એમ પણ કહ્યુ છે કે ખેલાડીઓને કહેવામાં આવશે કે તે ફેન્સ સાથે હાથ ના મીલાવે અને આવી કોઇ ડિવાઇસથી પિકચર કિલક ના કરે.  આગામી ૨૮મી માર્ચથી આઈપીએલ શરૂ થઈ રહ્યો છે. જો કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તકેદારી રાખવાની સાથે આઈપીએલ તેના નિર્ધારીત શેડ્યુલ મુજબ જ રમાશે તેમ જણાવ્યુ હતું.

(3:37 pm IST)