Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

એમ્સના ટ્રોમા સેન્ટરમાંથી એક હજાર માસ્ક ગાયબઃ ડોકટરોએ હડતાલની આપી ચેતવણી

નવી દિલ્હી,તા.૯: કોરોના વાયરસ ફેલાયેલો હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ હોસ્પિટલોમાં માસ્ક અને સેનેટાઇઝર ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે. ત્યારે દેશની સૌથી મોટી હોસ્પિટલ એમ્સમાંથી એક હજાર એન-૯૫ માસ્ક ગાયબ થઇ ગયા છે. રાતોરાત અહીંના ટ્રોમા સેન્ટરમાં રખાયેલ માસ્ક ગુમ થઇ જતા અહીંના કર્મચારીઓને પોતાની સુરક્ષાની ફિકર થઇ રહી છે.

એમ્સના રેસીડન્ટ ડોકટરોએ મેનેજમેન્ટને સોમવારે સવાર સુધીમાં માસ્ક ઉપલબ્ધ કરાવવાનો સમય આપ્યો છે. સુત્રોનું માનવામાં  આવેતો જો માસ્ક નહીં મળે તો ડોકટરો સોમવારે હડતાલ પર જવાનો નિર્ણય લઇ શકે છે. આ પહેલા સફદર જંગ હોસ્પિટલના રેસીડન્ટ ડોકટરોએ પણ એમ જ કર્યું હતું.જેના લીધે આરોગ્ય મંત્રાલયે તેમને તાત્કાલીક માસ્ક પહોંચાડયા હતા. ટ્રોમા સેન્ટરમાંથી એક હજાર માસ્ક કયાં ગાયબ થઇ ગયા તે બાબતે મેનેજમેન્ટે કોઇ માહિતી નથી આપી. મળી રહેલી માહિતી અનુસાર ગયા શનિવારે એમ્સના ટ્રોમા સેન્ટરમાં આવેલ ઓટી કોમ્પ્લેક્ષમાં રાખેલ એક હજારથી પણ વધારે એન-૯૫ માસ્ક ગુમ છે. એમ્સ રેસીડન્ટ ડોકટર્સ એસોસીએશનના મંત્રી ડો. શ્રીનીવાસે જણાવ્યું કે ટ્રોમા સેન્ટરમાં તૈનાત ડોકટર, નર્સ અને પેરા મેડીકલ સ્ટાફ કોઇને પણ માસ્ક નથી. આપવામાં આવ્યા.એમ્સના ઇમર્જન્સી વિભાગમાં કર્મચારીઓને પણ માસ્ક નથી અપાયા.

એમ્સમાં કોરોના વાયરસના શંકાસ્પદ દરદીઓની તપાસ પણ ચાલુ છે. ત્યારે આરડીએએ મેનેજમેન્ટને ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં માસ્ક નહીં અપાય તો ડોકટરો હડતાલ પર જઇ શકે છે.

(3:28 pm IST)