Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ભારતનો નાગરિકતા સંશોધન કાનૂન ( CAA ) : પાકિસ્તાન ,બાંગ્લાદેશ,સહિતના પડોશના દેશોમાં ધાર્મિક ભેદભાવનો ભોગ બનતા લઘુમતી કોમના નાગરિકો ભારતના નાગરિક બનશે : આ કાનૂન નાગરિકતા છીનવવા માટે નહીં પણ આપવા માટે છે : મીડિયા દ્વારા ફેલાવાતી ગેરસમજ દૂર કરવા અમેરિકામાં' ભારતીય વિચાર મંચ ' ના ઉપક્રમે યોજાઈ ગયેલો ગોષ્ટિ કાર્યક્રમ :

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ભારતીય ફિલોસોફી ,સંસ્કૃતિ ,અને પરંપરાની વિશ્વ ઉપર થતી સાનુકૂળ અસરો વિષે લોકોને માહિતગાર કરવા કાર્યરત ' ભારતીય વિચાર મંચ ' ના ઉપક્રમે અમેરિકાના સેરીટોસમાં ભારતમાં અમલી બનાવાયેલા નાગરિકતા સંશોધન કાનૂન ,( સીએએ ) વિષે ચોખવટ કરવા વિચાર ગોષ્ટિનું આયોજન કરાયું હતું જેમાં આયોજિત પેનલ ડીસ્કસનમાં 120 જેટલા લોકો શામેલ થયા હતા.
સેરીટોસ  પબ્લિક લાયબ્રેરીમાં આયોજિત આ કાર્યક્રમમાં ડો.અમિત દેસાઈ ,કાશ્મીરી હિન્દૂ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો.અમિત નહેરુ ,ફિઝિશિયન તથા કોમ્યુનિટી એક્ટિવિસ્ટ ડો.જશવંત પટેલ ,કોમ્યુનિટી એક્ટિવિસ્ટ શ્રી સન્મય મુખોપાધ્યાય ,સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા , સેરીટોસ  મેયર શ્રી નરેશ સોલંકી ,ઉપરાંત ,શીખ ,જૈન ,કોમ્યુનિટી આગેવાનો તેમજ હિન્દૂ મંદિરોના પ્રતિનિધિઓ સહિતના  મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ તકે ભારતના નાગરિકતા સંશોધન કાનૂન વિષે ડો.અમિત નહેરુ ,ડો.જશવંત પંડ્યા ,શ્રી સન્મય મુખોપાધ્યાય ,તેમજ ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા સહિતના આગેવાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તથા જણાવ્યું હતું કે આ કાનૂન ભારતના ભાગલા પડ્યા ત્યારથી અસ્તિત્વમાં આવેલા નાગરિકતા કાનૂનને જાળવી રાખનારો છે.તેનાથી કોઈની નાગરિકતા જતી નથી.ઉલ્ટાનું 2014 ની સાલ પહેલાથી પડોશી દેશો ,પાકિસ્તાન બાંગ્લાદેશ ,અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી આવેલા લઘુમતી હિંદુઓ ,ખ્રિસ્તીઓ ,જૈનોને નાગરિકતા આપનારો છે.કોઈની નાગરિકતા છીનવી લેનારો નથી.દરેક દેશમાં પોતાના નાગરિકતા કાનૂન હોય જ છે.તેમજ નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સમાં પણ આ બાબત જ છે.
હકીકતમાં મીડિયા માધ્યમો દ્વારા ગેરસમજ ફેલાવાઈ હોય તેવું લાગે છે.લોકોને સાચી વાતથી વાકેફગાર કરવાને બદલે મીડિયા ગેરમાર્ગે દોરી રહ્યું હોવાની છાપ ઉપસે છે.તેથી આ બાબતે ચોખવટ કરવા આ આયોજન કરાયું છે.
બાદમાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં પુછાયેલા પ્રશ્નોના પેનલમાં સમાવિષ્ટ મહાનુભાવો દ્વારા સંતોષકારક જવાબો અપાયા હતા.

વિશેષ માહિતી bvmanchia@gmail.com દ્વારા મળી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)